શ્લોક : ૨૯
कृष्णकृष्णावताराणां खण्डनं यत्र युक्तिभि: ।
कृतं स्यात्तानि शास्त्राणि न मान्यानि कदाचन ॥ ૨૯ ॥
અને જે શાસ્ત્રને વિષે શ્રીકૃષ્ણભગવાન તથા શ્રીકૃષ્ણભગવાનના જે વરાહાદિક અવતાર, તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય, એવાં જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવાં અને ન સાંભળવાં. ॥ ૨૯ ॥
ભાવાર્થ
જે શાસ્ત્રને વિષે શ્રીકૃષ્ણ તથા શ્રીકૃષ્ણના અવતાર એમ જે આ શ્લોકમાં કહ્યું તેમાં 'કૃષ્ણ' એ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનને જાણવા. હવે શ્રી સ્વામિનારાયણ ભગવાનના અવતારમાં ત્રણ ભેદ છે : સંકલ્પાવતાર, મુક્તાવતાર અને ઐશ્વર્યાવેશ અવતાર. શ્રીજીમહારાજ પોતાના સંકલ્પે કરીને પોતે નરનારાયણ, લક્ષ્મીનારાયણ તથા રાધાકૃષ્ણાદિરૂપે તેમ જ ચતુર્ભુજાદિરૂપે થઈને સમાધિસ્થિતિને પામેલા જે ભક્ત તેમને પોતાનું દર્શન દેતા હતા તે સ્વરૂપોને 'સંકલ્પાવતાર' જાણવા. શ્રીહરિના સંકલ્પસ્વરૂપમાં ને મૂળ સંકલ્પી સ્વરૂપમાં ભેદ નથી, પરંતુ શ્રીમદ્ભાગવતાદિ શાસ્ત્રમાં કહેલા શ્રીકૃષ્ણ તથા નરનારાયણ તેમાં ને શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ તેમાં તો ઘણો ભેદ છે. અને જે ઐશ્વર્યની ઇચ્છા તજી દઈ, પોતાને બ્રહ્મરૂપ માની, ભગવાનને ભજે છે એવા ભક્તને ભગવાન પોતા જેવો જ કરે છે એવા મુક્ત પૃથ્વી પર સ્વત: મૂર્તિમાંથી પ્રકટ થાય તો તેમને 'મુક્તાવતાર' જાણવા. અને ઐશ્વર્યની ઇચ્છાવાળા ભગવાનના ભક્ત, તે ભગવાનને પ્રતાપે કરીને બ્રહ્મા, શિવ, શુકજી, નારદ, પ્રકૃતિપુરુષ, મૂળપુરુષ, બ્રહ્મ તથા અક્ષર જેવા થાય તે શ્રીહરિના ઐશ્વર્યાવેશ અવતાર કહેવાય. આમ શ્રીહરિના ગુણ-ઐશ્વર્યનો આવિર્ભાવ થવાથી ઐશ્વર્યાવેશ અવતાર થાય છે. આ જે ત્રણ પ્રકારના શ્રીહરિના અવતાર તથા શ્રીહરિ સ્વયં તેમનું જે શાસ્ત્રમાં યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ન માનવા. શ્રી સ્વામિનારાયણ ભગવાન સદા દિવ્યસાકાર મૂર્તિમાન છે અને અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયના કર્તા છે, તેમને અરૂપ તથા અકર્તા કહેવા તથા તે ભગવાનની પ્રેરક શક્તિ વિના સ્વતંત્રપણે, કાળ, માયા, પુરુષ, સ્વભાવ, કર્મ-તે કર્તા છે એમ કહેવું તે ભગવાનનું ખંડન કર્યું કહેવાય.
વળી, 'યુક્તિએ કરીને' એમ કહ્યું તે, કેવી રીતે તો પરબ્રહ્મ જો સાકાર હોય તો શાસ્ત્રમાં તે બ્રહ્મને (ભગવાનને) જ્યોતિસ્વરૂપ તથા અરૂપ કહ્યા છે એ શી રીતે કહેવાય? વળી સર્વત્રપૂર્ણ ને જડ-ચૈતન્યના શરીરી કહ્યા છે, એ શી રીતે સંગત થાય? માટે એવા શ્રુતિ- સ્મૃતિના પ્રમાણથી પરબ્રહ્મ નિરાકાર જ છે - આવી રીતે શાસ્ત્રમાં ખંડન કર્યું હોય. એવા જે શાસ્ત્ર તે માનવા નહિ; કેમ જે શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ તો, સદા દિવ્ય, સદા સાકાર ને સર્વકર્તા છે. જે જનો શ્રીહરિને નિરાકાર ને અકર્તા કહે છે તે અજ્ઞાની ને પાપી છે. સમર્થ એવા શ્રીજીમહારાજ, તે આ જગતનાં ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય તેને સ્વેચ્છાથી સ્વતંત્રપણે કરે છે; તે હેતુ માટે, કાળ, કર્મ, સ્વભાવ, માયા ને પુરુષ તેમના, આદિથી જ કર્તા છે. અને પોતે કોઈ પણ ક્રિયા ન કરે, પરંતુ પોતાના સંકલ્પમાત્રથી બીજા દ્વારા કરાવે તે શ્રીહરિનું 'અકર્તાપણું' જાણવું. વળી કાળ-માયાદિ ઉપકરણ વિના, પોતે જ પોતાના સાર્મથ્યે કરીને અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલયાદિ કરવા સમર્થ હોઈ શ્રીહરિ 'અન્યથાકર્તા' કહેવાય છે.
અને કોઈ શાસ્ત્રમાં ભગવાનને અરૂપ કે નિરાકાર કહ્યા હોય છે, તે શ્રીહરિનું સ્વરૂપ માયામય આકૃતિવાળું નથી માટે, પરંતુ શ્રીહરિનુ સ્વરૂપ અરૂપ કે નિરાકાર છે, એમ ક્યારેય ન સમજવું. અને ભગવાન, કોટીકોટી સૂર્યની માફક, પોતાના અંગનું તેજ, તેણે કરીને વ્યાપ્ત હોઈ તેમને 'જ્યોતિસ્વરૂપ' કહ્યા છે, પણ જે કેવળ તેજની જ ઉપાસના કરતા હોય, તેમને તેજમાં મૂર્તિ દેખાતી નથી; કેવળ તેજ દેખાય છે. તેથી તે જનો ભગવાનને 'જ્યોતિરૂપ' કહે છે. વળી ભગવાન માયિક ગુણે રહિત છે, માટે 'નિર્ગુણ' કહ્યા છે અને અનંત દિવ્ય ને કલ્યાણકારી ગુણે યુક્ત છે તેથી 'સગુણ' કહ્યા છે. તેમ જ પોતાના ધામમાં રહ્યા થકા જ પોતાનાં તેજનાં કિરણોએ કરીને સર્વત્ર વ્યાપક છે, માટે સર્વત્રપૂર્ણ કહ્યા છે. માટે શ્રીહરિને ક્યારેય નિરાકાર કે અકર્તા ન સમજવા ને તેવું સમજાવતા શાસ્ત્રો ન માનવા.