શ્લોક : ૮૯-૯૦

भाव्यं शमदमक्षान्तिसन्तोषादिगुणान्वितै: ।

ब्राह्मणै शौर्यधैर्यादिगुणोपेतैश्च बाहुजै: ॥ ૮૯ ॥

અને જે બ્રાહ્મણ વર્ણ હોય તેમણે શમ, દમ, ક્ષમા અને સંતોષ - એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું. અને જે ક્ષત્રિય વર્ણ હોય તેમણે શૂરવીરપણું અને ધીરજ-એ આદિક જે ગુણ તેમણે યુક્ત થવું. ॥ ૮૯ ॥

वैश्यैश्च कृषिवाणिज्यकुसीदमुखवृत्तिभि: ।

भवितव्यं तथा शुद्रैर्द्विजसेवादिवृत्तिभि: ॥ ૯૦ ॥

અને વૈશ્ય વર્ણ હોય તેમણે કૃષિકર્મ તથા વણજવ્યાપાર તથા વ્યાજવટો- એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. અને જે શૂદ્ર વર્ણ હોય તેમણે બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની સેવા કરવી-એ આદિક જે વૃત્તિઓ તેમણે કરીને વર્તવું. ॥ ૯૦ ॥

ભાવાર્થ

શ્રીહરિ કહે છે કે તેમના આશ્રિત બ્રાહ્મણોએ શમદમાદિક ગુણે યુક્ત વર્તવું. હવે શમ એટલે મનનો નિગ્રહ અને દમ કહેતાં ઇંદ્રિયોનો નિગ્રહ. ભગવાનની ભક્તિ કરતો હોય તો પણ જ્યારે ઇંદ્રિયો વિષયમાં તણાઈ જાય, ત્યારે તે હરિભક્તના હૃદયમાં અતિ દુઃખ થાય છે. માટે પોતાનાં ઇંદ્રિયોને જીતીને વશ કરે તે જ સદા સુખિયો રહે છે. ક્ષમા કહેતાં, પારકાના અપરાધને સહન કરવા તે; આને સાધુતાનો ગુણ કહેલો છે. સંતોષ એટલે અનાયાસે જે અન્ન તથા વસ્ત્ર મળે તે પૂરતું છે એવી જે અલંબુદ્ધિ - એ આદિ ગુણે યુક્ત બ્રાહ્મણોએ થવું. વળી બ્રાહ્મણોએ ધર્મ, સત્ય, દમ, તપ, મત્સરથી રહિતપણું, લજ્જા, તિતિક્ષા, અનસૂયા, યજ્ઞ, દાન, ધૃતિ અને શ્રુતિ આ બાર ગુણો સંપાદન કરવા અને ક્રોધ, કામ, લોભ, મોહ, આસક્તિપૂર્વક કર્મ કરવાની ઇચ્છા, અકૃપા, અસૂયા, માન, શોક, સ્પૃહા, ઈર્ષ્યા અને નિંદા- આ બાર દોષ બ્રાહ્મણોએ ત્યજવા.

ક્ષત્રિઓએ, શૌર્ય એટલે રણસંગ્રામમાં ઉત્સાહ, ધૈર્ય એટલે સહનશીલતા, ઉદારતા, તેજ, બળ, તિતિક્ષા જે સુખદુઃખ સહન કરવાનો સ્વભાવ, ઉદ્યમીપણું, સ્થિરતા, 'બ્રહ્મણ્ય' એટલે બ્રાહ્મણને વિષે દેવની બુદ્ધિપણું તથા ઐશ્વર્ય - આટલા ગુણોએ યુક્ત થવું.

વૈશ્યોએ ખેતી, વેપાર, વ્યાજવટો - એ આદિ વ્યવસાયથી પોતાનો દેહનિર્વાહ કરવો. વળી વૈશ્યોએ, વેદ અને વૈદિક ધર્મમાં આસ્તિકતા, પ્રતિદિન ન્યાયથી દ્રવ્ય ઉપાર્જન કરવા માટે કરાતો વ્યવસાય, નિષ્કપટતા, સ્વધર્મનિષ્ઠ ને શ્રીહરિચરણકમળ સમાશ્રિત એવા બ્રાહ્મણનું સેવન, ધર્મ, અર્થ ને કામનું પોષણ ગુરુ તથા દેવમાં ભક્તિ, ગોરક્ષણમાં અભિરુચિ, દાનમાં નિષ્ઠા અને વેપાર વગેરેમાં ચતુરપણું - આ ગુણોએ યુક્ત થવું. શુદ્રોએ બ્રાહ્મણાદિક ત્રણ વર્ણની (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય) સેવારૂપ વૃત્તિવાળા થવું તથા માતાપિતાની પણ સેવા કરવી અને અહિંસાદિ ધર્મ પાળવો. વળી ગાયો તેમ જ દેવની નિષ્કપટભાવથી સેવા કરવી અને તે સેવા કરવાથી પ્રાપ્ત થયેલા અન્નધનાદિકથી સંતોષ રાખવો.

અને અહિંસા, સત્ય, ચોરી ન કરવી, શૌચ, ઇંદ્રિયોને નિયમમાં રાખવી, દાન, દમ, દયા અને ક્ષમા - આ, સર્વે વર્ણો માટે ધર્મનું સાધન છે; માટે ચારેય વર્ણોએ અહિંસાદિ ધર્મોનું પાલન કરવું.