શ્લોક : ૩૫
अपमानो न कर्तव्यो गुरुणां च वरीयसाम् ।
लोके प्रतिष्ठितानां च विदुषां शस्त्रधारिणाम् ॥ ૩૫ ॥
અને ગુરુનું અપમાન ન કરવું તથા જે અતિશય શ્રેષ્ઠ મનુષ્ય હોય તથા જે લોકને વિષે પ્રતિષ્ઠિત મનુષ્ય હોય તથા જે વિદ્વાન મનુષ્ય હોય તથા જે શસ્ત્રધારી મનુષ્ય હોય તે સર્વેનું અપમાન ન કરવું. ॥ ૩૫ ॥
ભાવાર્થ
'ગુરુ' એટલે વર્તમાન ધરાવી કંઠી બાંધી શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત કરનાર , શ્રીહરિ સંબંધી સંપૂર્ણ અધ્યાત્મ જ્ઞાન આપનાર સત્પુરુષ તથા સંસારસાગરથકી ઉદ્વારનાર એવા શ્રીહરિકૃષ્ણ મહાપ્રભુ જાણવા. આવા જે ગુરુ તેમનું અપમાન ન કરવું. શિષ્ય, ગુરુ કરતાં કદાચ વિશેષ બુદ્ધિવાન કે વિદ્યાવાન હોય તો પણ તેણે, ગુરુને તુંકારાથી બોલાવવા નહિ તથા શિષ્યે ગુરુની આગળ કદી અસત્ય બોલવું નહિ. જે શિષ્ય હુંકારા-તુંકારા કરીને ગુરુને વાદમાં હરાવે છે તે જળ વિનાના અરણ્યમાં બ્રહ્મરાક્ષસ થાય છે.
વળી ઘણા જ સદગુણ વડે શ્રેષ્ઠ હોય તેમનું પણ અપમાન ન કરવું એટલે કે, મોટા પુરુષોનું અપમાન ન કરવું. રાજાઓનું, રાજપુરુષોનું તથા અન્ય પ્રતિષ્ઠિત મનુષ્યોનું અપમાન ન કરવું. જાતિમાં, કુળમાં ને આચારમાં મોટા હોય, તેમ જ જાતિએ કરીને હીન હોય છતાં સદગુણથી કે વિપુલ ધનથી પ્રતિષ્ઠા મેળવી હોય તેમને પણ પ્રતિષ્ઠિત મનુષ્ય જાણવા.
અને 'વિદ્વાનો' કહેતાં વચનામૃત આદિ સચ્છાસ્ત્રનો જેણે અભ્યાસ કર્યો હોય એવા ભગવાનના ભક્તોનું પણ અપમાન કરવું નહિ.
તથા શસ્ત્ર ધારણ કર્યાં હોય એવાનું અપમાન એટલે માનભંગ અથવા મશ્કરી, તે ન કરવું; કારણ કે તેમ કરવાથી પોતાના સર્વસ્વનો નાશ થવાનો સંભવ રહે છે.
સત્પુરુષો સાથેનો દ્વેષ અનેક અનર્થ ઉત્પન્ન કરનારો છે. મોટા પુરુષોનો અપરાધ, તે આયુષ્ય, સંપત્તિ, યશ, ધર્મ, સત્કર્મનું ફળ, આશીર્વાદ તથા સર્વપ્રકારના શ્રેયનો નાશ કરે છે.
આ શ્લોકની શરૂઆતમાં જે ગુરુનું અપમાન ન કરવું એમ કહ્યું. તેમાં ગુરુનું અપમાન કરવું તો નહિ જ, પણ કોઈ બીજાને તેમનું અપમાન કરવા પણ ન દેવું અને તેવા સમયે ગુરુનો પક્ષ રાખવામાં પોતાનો દેહ, સગા-સંબંધી કોઈની પરવા ન કરવી અને જો દેહ, સગા-સંબંધીનો ત્યાગ કરવો પડે તો પણ કરવો, પણ તેમાં વિચાર ન કરવો.