શ્લોક : ૧૨૪

न स्प्रष्टव्याश्च ता: क्वापि भाषणीयाश्च ता नहि ।

कौर्यं कार्यं न कस्मिंश्चिन्न्यासो रक्ष्यो न कस्यचित् ॥ ૧૨૪॥

અને તે સ્ત્રીઓને ક્યારેય પણ અડવું નહિ; અને તે સાથે બોલવું નહિ; અને કોઈ જીવને વિષે ક્રૂરપણું ન કરવું; અને કોઈની થાપણ ન રાખવી. ॥ ૧૨૪ ॥

ભાવાર્થ

અને એ ધર્મવંશી આચાર્યોએ સમીપ સંબંધવાળી ન હોય તેવી સ્ત્રીઓનો સ્પર્શ કરવો નહિ. તેમ જ એવી સ્ત્રીઓ સાથે ધર્મોપદેશ નિમિત્તે, કે વ્યવહારકાર્ય નિમિત્તે પણ બોલવું નહિ; એવો પ્રસંગ સર્વ પ્રકારે ત્યજી દેવો. આચાર્યો સિવાયના ધર્મવંશના બીજા પુરુષોએ પણ, સ્ત્રીઓનો સ્પર્શ કરવો નહિ ને તેમની સાથે બોલવું પણ નહિ.

વળી એ બે ધર્મવંશી આચાર્યોએ કોઈ પણ પ્રાણીને વિષે નિર્દયતા ન કરવી. કારણ કે ગુરુઓ તો દયાળુ જ હોય. અને તે આચાર્યોએ પોતાની જ્ઞાતિના, કે બીજી જ્ઞાતિના માણસની પણ થાપણ ન રાખવી; કેમ કે થાપણ રાખવી એ ક્લેશનું મૂળ છે.