શ્લોક : ૪૪

सच्छूद्रा: कृष्णभक्ता ये तैस्तु भालोर्ध्वपुण्ड्रके ।

द्विजातिवद्धारणीये निजधर्मेषु संस्थितै: ॥ ૪૪ ॥

અને પોતાના ધર્મને વિષે રહ્યા અને શ્રીકૃષ્ણના ભક્ત એવા જે સચ્છૂદ્ર તેમણે તો, તુલસીની માળા અને ઊર્ધ્વપુંડ્ર તિલક તે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યની પેઠે ધારવાં. ॥ ૪૪ ॥

ભાવાર્થ

શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના ભક્ત હોય તથા બ્રાહ્મણાદિ ત્રણે વર્ણોની સેવા કરવારૂપ સ્વધર્મેયુક્ત હોય તેવા જે સચ્છૂદ્ર તેમણે, તુલસીના કાષ્ઠની 'માળા' અર્થાત્ બેવડી કંઠી તથા ઊભું તિલક એ બે વાનાં, ત્રણ વર્ણના સત્સંગીની પેઠે જ ધારણ કરવાં. અહીં 'ધારણ કરવા' એમ કહ્યું - તેમાં મંત્ર અને દીક્ષા એનો પણ સમાવેશ થઈ જાય છે, માટે તે પણ ગ્રહણ કરવાં.

હવે શૂદ્ર બે પ્રકારના કહેલા છે : સચ્છૂદ્ર અને અસચ્છૂદ્ર; ગોપ-ગોવાળ, વાળંદ, કુંભાર, દરજી વગેરેની ગણના સચ્છૂદ્રમાં કરેલી છે. સ્વધર્મનિષ્ઠ એવા સચ્છૂદ્રને તિલક-ચંદ્રક વગેરે ચિહ્નો ધારણ કરવાની શ્રીજીમહારાજે આ શ્લોકમાં આજ્ઞા કરી છે.

વળી વિશુદ્ધ કુટુંબમાં જન્મેલો, અદ્યમાંસનો ત્યાગ કરનારો, વણિક વૃત્તિવાળો અને દ્વિજોનો ભક્ત - એવો હોય તેને સચ્છૂદ્ર જાણવો.