શ્લોક : ૧૨

देवतापितृयागार्थमप्यजादेश्च हिंसनम् ।

न कर्तव्यमहिंसैव धर्म: प्रोक्तोऽस्ति यन्महान् ॥ ૧૨ ॥

અને દેવતા અને પિતૃ તેના યજ્ઞને અર્થે પણ બકરાં, મૃગલાં, સસલાં, માછલાં આદિક કોઈ જીવની હિંસા ન કરવી; કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે એમ સર્વ શાસ્ત્રમાં કહ્યું છે. ॥ ૧૨ ॥

ભાવાર્થ

ભગવાન શ્રી સહજાનંદસ્વામી લૌકિક હિંસાનો નિષેધ કરીને હવે વૈદિક હિંસાનો નિષેધ કરે છે : રજોગુણી અને તમોગુણી એવા દેવતા તથા પિત્રીઓ તેનો 'યાગ' જે યજન, તેને અર્થે બકરાં, ઘેટાં, અશ્વ ને હરિણાદિ પશુ માત્રની તેમ જ પક્ષીની પણ હિંસા ન કરવી; જે હેતુ માટે કાયા, વાણી અને મનવડે કરીને પણ ભૂતપ્રાણીમાત્રનો દ્રોહ ન કરવો. કેમ જે અહિંસા એ જ 'મહાન' કહેતાં પરમ ધર્મ છે. અને જે દેવને અથવા દેવીને સુરામાંસ અર્પણ થતું હોય અને જે દેવ-દેવી આગળ જીવની હિંસા થતી હોય, તે દેવ તથા તે દેવીને માનવાં નહિ તથા તેનું પૂજન અને વ્રત શ્રીહરિના આશ્રિતોએ ન કરવું. વળી શ્રીહરિએ કહ્યું છે જે, એમણે નિષેધ કરેલું હિંસામય કર્મ જે કોઈ મનુષ્યો કરશે તેમના વંશનો ઉચ્છેદ થઈ જશે, તેમનો કોઈ પણ પુરુષાર્થ ક્યારેય સિદ્ધ નહિ થાય; અને તે મનુષ્યો મૃત્યુ પામીને ઘોર એવા નરકને પામશે.

લોકમાં મૈથુન, માંસભક્ષણ ને મદ્યપાનમાં મનુષ્યોની સ્વાભાવિકપણે પ્રવૃત્તિ હોય છે, પણ તે કાર્ય કરવામાં કોઈ એને પ્રેરણા કે આગ્રહ કરતું નથી; તેવા પાપકર્મમાં તો રજોગુણી - તમોગુણી અને આસુરી સંપદાવાળા મનુષ્યો રાગથી પ્રવર્તે છે. અને શાસ્ત્રમાં જ્યાં જ્યાં એવાં વચન જણાતાં હોય, તો તે પ્રધાનવચન નથી; પરંતુ હિંસા વગેરેના સંકોચને અર્થે છે એમ જાણવું. અને રાગદ્વેષથી કે આપત્કાળમાં હિંસા આદિમાં પ્રવૃત્તિ થયેલી હોય, ને તેવાં વચન શાસ્ત્રમાં કદાચ લખાયેલાં હોય તો પણ તે ધર્મ નથી, પરંતુ ધર્માભાસ છે એમ જાણવું. અને તેથી મુમુક્ષુઓને તથા દૈવી જીવોને તે ત્યાજ્ય છે.

સંસૃતિને પમાડનારી એવી હિંસાનું પ્રતિપાદન જે શાસ્ત્રમાં કર્યું હોય તેને શાસ્ત્ર ન જાણવું; કારણ કે હિંસા કરવાથી સર્વ અનર્થને વારંવાર પમાડનાર એવો સંસાર પ્રાપ્ત થાય છે. કેવળ ધર્મમર્યાદાની સ્થિતિ વિનાના, વિમૂઢ, નાસ્તિક, સંશયાત્મક અને શાસ્ત્રના અભિપ્રાયને નહિ જાણનારા એવા મનુષ્યોએ હિંસાનું પ્રતિપાદન કરેલું છે. અને શ્રાદ્ધકર્મ પણ સામા આદિક પવિત્ર ધાન્યથી જ કરવું, પણ માંસે કરીને ન કરવું.

આ હિંસામય ને અહિંસામય ધર્મનો નિર્ણય શ્રીહરિએ આ પ્રમાણે કર્યો છે : 'જે હિંસામય ધર્મ છે તે રાગપ્રાપ્ત છે ને ધર્મ, અર્થ ને કામ પર છે; અને અહિંસામય ધર્મ છે તે મોક્ષપરાયણ છે. વળી હિંસામય ધર્મ તેણે કરીને ક્યારેય કોઈનો મોક્ષ થતો નથી. માટે મારા સર્વે ભક્તોએ અહિંસામય ધર્મ રાખવો.'

જ્યારે ભગવાન ને ભગવાનના ભક્ત થકી બીજાં સર્વે માયિક પદાર્થને અતિ તુચ્છ જાણીને ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે, ત્યારે તેની મૂળમાંથી હિંસા નિવૃત્તિ પામે છે.