શ્લોક : ૧૨૬

स्वशिष्यार्पितधान्यस्य कर्तव्यो विक्तयो न च ।

जीर्णं दत्वा नवीनं तु ग्राह्यं तन्नैष विक्तय: ॥ ૧૨૬ ॥

અને પોતાના જે શિષ્ય તેમણે, ધર્મનિમિત્તે પોતાને આપ્યું જે અન્ન તે વેચવું નહિ; અને તે અન્ન જૂનું થાય તો, તે જૂનું કોઈકને દઈને નવું લેવું; અને એવી રીતે જે જૂનાનું નવું કરવું તે વેચ્યું ન કહેવાય. ॥ ૧૨૬ ॥

ભાવાર્થ

ધર્મવંશી આચાર્યોએ પોતાના શિષ્યોએ અર્પણ કરેલાં ડાંગર વગેરે ધાન્ય; તે જો પોતાના કુટુંબ-પરિવારના પોષણ માટે જોઈએ તેથી અધિક હોય, તો પણ તે ધાન્યને વેચવું નહિ; અને જો વેચે, તો મોટા કુટુંબ-પરિવારવાળા તે બે આચાર્યોને, કોઈ વખત દુષ્કાળરૂપી આપત્કાળમાં, ધાન્યના અભાવથી ક્લેશ સહન કરવાનો પ્રસંગ આવે. અને જો ધાન્યનો સંગ્રહ કરે તો દુષ્કાળ આદિકમાં પણ, સાધુ, બ્રાહ્મણ, ભિક્ષુક તથા બીજા રાંકોનું પોષણ કરવારૂપ મોટો ધર્મ થાય. અને તે જે સંગ્રહ કરેલું અન્ન તે જૂનું થાય એટલે તેમાં ઝીણાં જીવ ઉત્પન્ન થવાના સંભવથી લાંબો કાળ રાખી શકાય નહિ, તો તે જૂના અન્નના બદલામાં નવું ધાન્ય લેવું, એવી રીતે બદલો કરવો તે વેચ્યું ન કહેવાય; કેમ કે તેમાં વિક્રયદોષ લાગતો નથી ને ગૃહસ્થાશ્રમના ધર્મનું રક્ષણ પણ થાય છે. જ્યારે લાભપ્રાપ્તિ સારુ લોભે કરીને વિક્રય કરવો તે ઉચિત નથી.