શ્લોક : ૭૬

विशेषनियमो धार्यश्चातुर्मास्येऽखिलैरपि ।

एकस्मिन् श्रावणे मासि स त्वशक्तैस्तु मानवै: ॥ ૭૬ ॥

અને અમારા જે સર્વે સત્સંગી તેમણે, ચાતુર્માસને વિષે વિશેષ નિયમ ધારવો. અને જે મનુષ્ય અસમર્થ હોય તેમણે તો એક શ્રાવણ માસને વિષે વિશેષ નિયમ ધારવો. ॥ ૭૬ ॥

ભાવાર્થ

અષાઢમાસની શુકલપક્ષની એકાદશીથી આરંભીને કાર્તિક શુકલપક્ષની બારસ સુધીનો જે કાળ તે ચાતુર્માસ. તે ચાતુર્માસમાં શ્રીહરિના આશ્રિતોએ વિશેષ નિયમ ધારણ કરવો. તે નિયમ ધારવા માટે અષાઢ શુકલ એકાદશીના દિવસે પ્રાતઃસ્નાન કરી, નિત્યકર્મ પરવારીને, શ્રીજીમહારાજની પ્રતિમા આગળ, ચાતુર્માસ્યવ્રતનું ભગવત્પ્રસન્નતા - એ જ એક પરમ ફળ છે એવો નિશ્ચય કરીને, વ્રતના આરંભમાં તેમની અનુજ્ઞા સંપાદન કરીને અધિક નિયમ લેવો; અથવા સ્વધર્મનિષ્ઠ ભગવાનના ભક્ત આગળ, પરમેશ્વરની પ્રસન્નતા માટે અધિક નિયમ ગ્રહણ કરવો અને તે માટે તે ભક્તને આગળ રાખીને ભગવાનની પ્રાર્થના કરવી.

અને એ ચાર માસ પર્યંત વિશેષ નિયમ પાળવામાં જે અશક્ત હોય તેમણે એક શ્રાવણમાસમાં તો તે વિશેષ નિયમ અવશ્ય ધારવો.