શ્લોક : ૧૭૮

न स्त्रीप्रतिकृति: कार्या न स्पृश्यं योषितोंऽशुकम् ।

न वीक्ष्यं मैथुनपरं प्राणिमात्रं च तैर्धिया ॥ ૧૭૮ ॥

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે સ્ત્રીની પ્રતિમા ન કરવી, ને સ્ત્રીએ પોતાના શરીર ઉપર ધારેલું જે વસ્ત્ર તેને અડવું નહિ, અને મૈથુનાસક્ત એવાં જે પશુપક્ષ્યાદિક પ્રાણીમાત્ર, તેમને જાણીને જોવાં નહિ. ॥ ૧૭૮ ॥

ભાવાર્થ

અને તે બ્રહ્મચારીઓએ દેવતાની પ્રતિમા સિવાય સ્ત્રીની મૂર્તિ કદી ચીતરવી નહિ, તથા સ્ત્રીઓનું જે પહેરેલું વસ્ત્ર, એટલે કે સ્ત્રીએ પેહર્યા પછી ધોયેલું થકું ભીનું કે સૂકાયેલું હોય, કે તદ્દન નવું હોય તે સિવાયના બીજાં વસ્ત્ર જે, સ્ત્રીએ પોતાના શરીર પરથી ઉતારીને મૂક્યાં હોય - તેનો બુદ્ધિપૂર્વક સ્પર્શ ન કરવો. તેમ જ મૈથુનધર્મમાં આસક્ત એવાં 'પ્રાણીમાત્ર' કહેતાં પશુપક્ષી આદિને પણ 'બુદ્ધિપૂર્વક' - આદરથી બ્રહ્મચારીઓએ જોવાં નહિ. ને દૃશ્ય મૈથુનધર્મી ચિત્રાદિ જે ઘરમાં હોય તે ઘરમાં કદાપિ વસવું નહિ તથા સ્ત્રીમુખને સન્મુખ, મુખ રાખીને કદાપિ બેસવું નહિ.