શ્લોક : ૩૬

कार्यं न सहसा किञ्चित्कार्यो धर्मस्तु सत्वरम् ।

पाठनीयाऽधीतविद्या कार्यं सङ्गोऽन्वहं सताम् ॥ ૩૬ ॥

અને વિચાર્યા વિના તત્કાળ કાંઈ કાર્ય ન કરવું; અને ધર્મસંબંધી જે કાર્ય તે તો તત્કાળ કરવું; અને પોતે જે વિદ્યા ભણ્યા હોઈએ તે બીજાને ભણાવવી; અને નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. ॥ ૩૬ ॥

ભાવાર્થ

શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતોએ કોઈ પણ કાર્ય વિચાર્યા વિના તત્કાળ ન કરવું; પોતાને કાંઈ પણ વ્યાવહારિક કાર્ય કરવાનું હોય તે પોતાની બુદ્ધિવડે રૂડે પ્રકારે વિચાર કરીને અથવા સત્પુરુષોને પૂછીને કરવું પણ એકાએક ન કરવું; કારણ કે વિચાર્યા વિના કાર્ય કરનારને મોટી આપત્તિ પ્રાપ્ત થાય છે. પણ ધર્મસંબંધી કાર્ય તો તત્કાળ કહેતા - જે ઘડીએ તેવી બુદ્ધિનો ઉદય થાય કે તરત જ કરવું, કારણ કે ધર્મકાર્ય પરલોકમાં પણ સહાયરૂપ થાય છે. માટે આ ઘડી-આ ક્ષણમાં જ મારે મરવું છે એમ માની ધર્માચરણ કરી લેવું. વળી ધર્મ એક જ આ જીવનો મિત્ર છે; કેમ જે ધર્મ, શરીર નાશ પામે તો પણ જીવની સાથે જાય છે અને બીજું સર્વે તો શરીરની સાથે નાશ પામે છે.

અને ગુરુની સેવા કરીને તથા અભ્યાસ વગેરેથી પોતે જ વિદ્યા પ્રાપ્ત કરી હોય તે સારા સુશીલ શિષ્યને ભણાવવી; કારણ કે વિદ્યાદાન એ મોટું દાન છે. હવે તે વિદ્યાદાન માટે આટલા જનો યોગ્ય છે - કર્યા કૃત્યને જાણનારો, દ્રોહ નહિ કરનારો, બુદ્ધિશાળી, 'પવિત્ર' અર્થાત્ બહાર તથા અંદર સદાચારનું પાલન કરનારો, આધિ-વ્યાધિ રહિત, બીજાના ગુણોમાં દોષો નહિ જોનારો, સાધુશીલ સ્વભાવવાળો, સેવા કરવામાં શક્તિમાન, બંધુવર્ગ તથા સર્વની સાથે સુહૃદભાવ રાખનારો તેમજ જ્ઞાન આપે તેવો.

વળી શ્રીજીમહારાજના સર્વ આશ્રિતોએ નિત્ય પ્રત્યે સ્વધર્મનિષ્ઠ ભગવાનના અનન્ય ભક્ત-એવા સાધુપુરુષ તેમનો 'સંગ' એટલે, દર્શન, વંદન, પૂજન તથા વચનમાં વર્તવું તે રૂપી સમાગમ કરવો.