શ્લોક : ૪૦

उत्सवाहेषु नित्यं च कृष्णमन्दिरमागतै: ।

पुम्भि: स्पृश्या न वनितास्तत्र तामिश्च पूरु़षा: ॥ ૪૦ ॥

અને ઉત્સવના દિવસને વિષે તથા નિત્યપ્રત્યે, શ્રીકૃષ્ણના મંદિરમાં આવ્યા એવા જે સત્સંગી પુરુષ, તેમણે તે મંદિરને વિષે સ્ત્રીઓનો સ્પર્શ ન કરવો તથા સ્ત્રીઓ તેમણે પુરુષનો સ્પર્શ ન કરવો; અને મંદિરમાંથી નીસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. ॥ ૪૦ ॥

ભાવાર્થ

દરરોજ તથા ઉત્સવના દિવસો, જેવા કે શ્રીહરિજયંતિ, જન્માષ્ટમી, રામનવમી આદિ ભગવાનના જન્મદિવસો, એકાદશી તથા વાર્ષિક કે શતવાર્ષિક પાટોત્સવના દિવસો તેમ જ શ્રીહરિને છપ્પનભોગનું નૈવેદ્ય, અન્નકૂટોત્સવ, પારાયણ કે યજ્ઞયાગાદિક તથા મૂર્તિપ્રતિષ્ઠાદિ મહોત્સવના દિવસોએ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના મંદિરમાં આવનાર ગૃહસ્થાશ્રમી પુરુષોએ સ્ત્રીઓને અડવું નહિ; 'સ્ત્રીઓ' એટલે આંહી સધવાઓને પણ જાણવી; વિધવાઓના સ્પર્શનો તો સર્વત્ર-મંદિરમાં તથા અન્ય સ્થાનકમાં પણ નિષેધ કરેલો જ છે. વળી તેવી જ રીતે સધવા સ્ત્રીઓએ પણ મંદિરમાં આવનારા પુરુષોનો સ્પર્શ ન કરવો; સ્ત્રી-પુરુષો અરસપરસ સ્પર્શ કરે તેથી મનનો ક્ષોભ થાય; માટે ભગવાનના મંદિરમાં તો વિશેષે કરીને તેનો નિષેધ યોગ્ય જ છે. અને વાણીની ચપળતા તથા હાથ, પગ, નેત્રાદિકની ચપળતા પણ ત્યાગ કરવી. કારણ કે જે દુષ્ટ મનવાળો પુરુષ ભગવાનના મંદિરમાં પરસ્ત્રીના અંગનો સ્પર્શ કરે છે તથા વારંવાર સ્ત્રીઓનાં મુખ જુએ છે, તે અતિ દુષ્ટ પુરુષનો નિશ્ચે વિનાશ થાય છે. માટે ધીરજથી શિશ્નુ તથા ઉદરના વેગને જીતવો, તેમ જ નેત્રવડે હાથ અને પગનું રક્ષણ કરવું. નેત્ર ને શ્રોત્રનું રક્ષણ મનવડે કરવું. અને મન તથા વાણીને વિદ્યાવડે સાચવવાં એટલે કે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ભગવાનની મૂર્તિનું મનન તથા આત્મવિચાર, તેમ જ કથા-વાર્તા-કીર્તન કરી-સાંભળીને મન-વાણીને ભગવાનની આજ્ઞા મુજબ નિયમમાં રાખવાં.

અહીં દરરોજ લખવા છતાં ઉત્સવના દિવસોનો અલગથી ઉલ્લેખ કર્યો છે. કારણ કે, ઉત્સવના દિવસોએ લોકોની બહુ ભીડ થાય, તેથી સ્ત્રીઓનો સ્પર્શ થવાનો સંભવ હોઈ પોતાના શિષ્યો પ્રમાદ ન કરે, તે માટે જ એમ કહેલું છે.