શ્લોક : ૧૯૩
भिक्षां सभां विना नैव गन्तव्यं गृहिणो गृहम् ।
व्यर्थ:कालो न नेतव्यो भक्तिं भगवतो विना ॥ ૧૯૩ ॥
અને ભિક્ષા તથા સભાપ્રસંગ એ બે કાર્ય વિના, ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહિ. અને ભગવાનની જે નવ પ્રકારની ભક્તિ તે વિના, વ્યર્થ કાળ નિર્ગમવો નહિ; નિરંતર ભક્તિ કરીને જ કાળ નિર્ગમવો. ॥ ૧૯૩ ॥
ભાવાર્થ
શ્રીહરિના આશ્રિત સાધુઓએ ભિક્ષા અને સભાપ્રસંગ વિના ગૃહસ્થના ઘર પ્રત્યે જવું નહિ , 'ભિક્ષા' એટલે ઝોળી માગવી અથવા આમંત્રણ હોય તો ભિન્નભિન્ન ગૃહે 'ભિક્ષા લેવા' - જમવા જવું. તેમ જ 'સભા' એટલે ભગવાનના ભક્ત એકત્ર થઈ જ્ઞાનગોષ્ટિ કરતા હોય, તેવા જાહેર સામાજિક પ્રસંગ. તે પણ સભાપ્રસંગ, ગૃહસ્થને ત્યાં હોય અને જો તે સભામાં જવાનું આમંત્રણ આવે તો જ જવું; અને તે પણ, પાંચની સંખ્યાથી ઓછી સંખ્યામાં જવું નહિ.
ભિક્ષા માગવામાં પણ પવિત્ર ગૃહસ્થના ઉઘાડાં દ્વારવાળાં ઘર પ્રત્યે જઈને, સ્ત્રીને જોયા વિના, ઊંચા સ્વેર શ્રીહરિનું નામ ઉચ્ચારીને ભિક્ષા માગવી; એટલે કે, ઘરની બહાર ઊભા રહીને જ ભિક્ષા માગવી. અને એક ગૃહસ્થના ઘરને પીડા નહિ પમાડતાં, દરેક ઘેરથી થોડું થોડું ભિક્ષાન્ન ગ્રહણ કરવું. ત્યારબાદ તે ભિક્ષામાં મળેલું અન્ન, સ્વયં ત્યાગી સાધુએ શુદ્ધ થઈ, રસોઈ બનાવીને શ્રી હરિકૃષ્ણ મહાપ્રભુને નૈવેદ્ય કરવું. અને પછી જ શ્રીહરિના ચરણામૃત જળ અથવા પ્રસાદીના જળવડે તે અન્નને સંમિશ્રિત કરી, શ્રીહરિના નામોચ્ચારણસહિત તેમની મૂર્તિનું સ્મરણ કરવાપૂર્વક જમવું. આવી રીતે ભિન્નભિન્ન ગૃહોથકી ભિક્ષાન્ન મેળવીને જમનાર ત્યાગી, ભિક્ષા આપનારનાં સમગ્ર પાપોનો વિનાશ કરે છે.
વળી શ્રીહરિના આશ્રિત ત્યાગીઓએ ભગવાનની નવધા ભક્તિ, જે શ્રવણ-કીર્તન વગેરે તે વિના એક ક્ષણપણ નિર્ગમન ન કરવી. અને જુદા જુદા દેશોમાં જે જે મુમુક્ષુ ભક્તજનો, પોતાને શરણે આવે, તે સર્વેને પાપ હરનારી, ધર્મનાં દૃઢ સ્થિતિ કરાવનારી ને શ્રીહરિના સ્વરૂપના જ એક જ્ઞાનને કરનારી- એવી શ્રીહરિની ભક્તિનો જ ઉપદેશ ત્યાગીઓએ કરવો.