શ્લોક : ૧૭૨
न होलाखेलनं कार्यं न भूषादेश्च धारणम् ।
न धातुसूत्रयुक्सूक्ष्मवस्त्रादेरपि कर्हिचित् ॥ ૧૭૨ ॥
અને હોળીની રમત ન કરવી અને આભૂષણાદિકનું ધારણ ન કરવું; અને સુવર્ણાદિક ધાતુના તારે યુક્ત એવાં જે ઝીણાં વસ્ત્ર, તેનું ધારણ પણ ક્યારેય ન કરવું. ॥ ૧૭૨ ॥
ભાવાર્થ
વળી એ વિધવા સ્ત્રીઓએ, પરસ્પર રંગ-ગુલાલ નાખી રમવાની જે હોળીની રમત તે ન રમવી; તથા સુવર્ણના અલંકાર કુંકુમ, કાજળ વગેરે જે સૌભાગ્યદ્રવ્ય તે ક્યારેય ધારણ કરવાં નહિ, વળી સુવર્ણાદિના તારે યુક્ત જે ઝીણું વસ્ત્ર, તથા સુતરાઉ એવું બારીક વસ્ત્ર, તેમ જ રેશમી વસ્ત્ર, કે કંકણ આદિ તેને ધારણ કરવાં નહિ; કારણ કે એ બધાં સધવા સ્ત્રીઓને ધારણ કરવા યોગ્ય છે. અને તે વિધવા સ્ત્રીઓએ ક્યારેય અપશબ્દો ન ઉચ્ચારવા; કોઈની ઉપર મિથ્યાપવાદ આરોપવો નહિ તથા કોઈને પણ ઉદ્દેશીને ગાળો કહેતાં નિંદાગર્ભિત કઠોર વચન તેનું ઉચ્ચારણ કરવું નહિ.