શ્લોક : ૬૩
भगवन्मन्दिरं सर्वै: सायं गन्तव्यमन्वहम् ।
नामसंङ्कीर्तनं कार्यं तत्रोच्चै राधिकापते: ॥ ૬૩ ॥
અને અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્યપ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું, અને તે મંદિરને વિષે શ્રીરાધિકાજીના પતિ એવા જે શ્રીકૃષ્ણભગવાન તેમના નામનું ઉચ્ચસ્વરે કરીને કીર્તન કરવું. ॥ ૬૩ ॥
ભાવાર્થ
શ્રીજીમહારાજના સર્વ ભક્તોએ, સાયંકાળે ભગવાનના મંદિરમાં નિત્ય જવું - આમાં બાઈઓએ બાઈઓના મંદિરમાં અને ભાઈઓએ ભાઈઓના મંદિરમાં જવું. અને ત્યાં જઈને અનંતકોટી મુક્તમંડળે સહિત શ્રી સ્વામિનારાયણ ભગવાનના; 'નામ-ગુણનું કીર્તન' એટલે કે ગોડી, આરતી, અષ્ટક, સ્તોત્ર વગેરે ઊંચે સ્વરે કરીને કરવું. અહીં ઉચ્ચસ્વરે - એટલે ભગવાનનાં દર્શનથી ઉત્પન્ન થતા આનંદને લીધે પ્રાપ્ત થતું પરવશપણું તેથી, ઉચ્ચસ્વરે નામ-સંકીર્તન એમ. તથા શ્રીહરિચરણકમળ સમાશ્રિત તથા તત્ સમકાલીન સદગુરુઓએ શ્રીહરિની મૂર્તિનાં ધ્યાનનાં, તેમનાં લીલાચરિત્ર, ઉપદેશ તેમ જ ઉત્સવ વગેરેનાં કીર્તનો રચ્યાં છે તે ગાવવાં, તથા તાળી પાડી ઊંચા સ્વરે 'સ્વામિનારાયણ' નામની ધૂન કરવી. અને આ બધું સ્ત્રીપુરુષોએ પોતપોતાની મર્યાદામાં રહીને કરવું. પુરુષોએ તે મંદિરમાં શ્રીજીમહારાજને સાષ્ટાંગ ને સ્ત્રીઓએ પંચાંગ પ્રણામ કરવા ને પ્રદક્ષિણા, સ્તુતિ-પ્રાર્થના, જપમાળા વગેરે કરવાં.
વળી ધર્મશાસ્ત્ર પ્રમાણે પ્રાતઃકાળમાં ભગવાનનાં દર્શન કરવાથી ભક્તજનનાં રાત્રિમાં થયેલાં પાપો નાશ પામે છે. મધ્યાહ્ન સમયમાં કરેલાં દર્શનથી આ દેહ ધરીને થયેલાં પાપો નાશ પામી જાય છે; ને સાયંકાળમાં ભગવાનનાં દર્શન કરવાથી સાત જન્મનાં કરેલાં પાપો નાશ પામે છે. તેથી જ અહીં સાયંકાળે ભગવાનના દર્શન કરવાની આજ્ઞા શ્રીહરિએ કરી છે.