શ્લોક : ૭૯
एकादशीनां सर्वासां कर्तव्यं व्रतमादरात् ।
कृष्णजन्मदिनानां च शिवरात्रेश्च सोत्सवम् ॥ ૭૯ ॥
અને સર્વે જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદરથકી કરવું; તથા શ્રીકૃષ્ણભગવાનના જે જન્માષ્ટમી આદિક જન્મદિવસ તેમનું વ્રત જે તે આદરથકી કરવું; તથા શિવરાત્રિનું વ્રત જે તે આદરથકી કરવું; અને તે વ્રતના દિવસને વિષે મોટા ઉત્સવ કરવા. ॥ ૭૯ ॥
ભાવાર્થ
એકાદશીવ્રત સર્વ વ્રતથકી અધિક છે; કેમ કે આ વ્રત ભગવાન શ્રી સ્વામિનારાયણનું છે ને આ વ્રત કરવાથી તેમની પ્રસન્નતા થાય છે. માટે શ્રીહરિના સર્વ આશ્રિતોએ આ વ્રત પ્રયત્નથી કરવું. બ્રહ્મહત્યા તુલ્ય એવાં જે કોઈ પાપ છે તે સર્વે એકાદશીના દિવસે અન્નને આશરીને રહે છે; માટે તે દિવસે જે કોઈ અન્ન જમે છે તે મનુષ્ય, તે પાપોને પામે છે. આઠ વર્ષથી લઈને એંશી વર્ષ સુધીની ઉંમરના બધા જ મનુષ્યોએ, શુકલ અને કૃષ્ણ એ બેય પક્ષની એકાદશીનો ઉપવાસ કરવો.
આ એકાદશીવ્રતમાં નિરાહારતારૂપ જે ઉપવાસ કહ્યો તે કેવળ અન્નત્યાગમાત્રરૂપ ન સમજવો; કિંતુ શ્રોત્રાદિ એકાદશ ઇંદ્રિયોના આહારરૂપ જે શબ્દાદિ વિષયો, તેનો ત્યાગ કરવાપૂર્વક ઉપવાસ કરવો. તે તે ઇંદ્રિયોના આહારનો ત્યાગ કરીને શ્રી સ્વામિનારાયણ ભગવાનને વિષે અવિચ્છિન્ન સન્મુખપણું રહે - એ જ નિરાહાર એકાદશીવ્રતનું સાચું લક્ષણ છે.
વળી 'ઉપવાસ' શબ્દની વિક્તિ શ્રીહરિએ આ પ્રમાણે સમજાવી છે: પાપકર્મોથી 'ઉપ' - ઉપનિવૃત્ત થયેલા જનને ભગવાનના દિવ્ય કલ્યાણકારી ગુણો સાથે જે 'વાસ' કહેતાં, સ્થિતિ - તે સર્વ વિષયભોગવર્જિત ઉપવાસ જાણવો. અને તે ઉપવાસના દિવસે પોતાના ઇષ્ટદેવ શ્રીહરિના મંત્રનો જપ કરવો અને તેમની મૂર્તિનું ધ્યાન કરવું, તેમની કથા સાંભળવી તથા તેમની પૂજા કરવી.
એકાદશી વ્રતના દિવસે વારંવાર જલપાન કરવાથી, પાનસોપારી ખાવાથી, મૈથુનથી, દિવસની નિદ્રાથી, પરસ્ત્રીના નિરીક્ષણ, સ્પર્શ તેમ જ તેની સાથેના સંભાષણથી અને પોતાની પત્નીનો અંગસંગ કરવાથી વ્રતનો ભંગ થાય છે. વળી તે દિવસે ક્રોધ ન કરવો; કેમ કે યત્નથી પણ અનુષ્ઠાન કરેલા જપ, દાન, વ્રત, નિયમ, ધ્યાન, જ્ઞાન, હોમ આદિ સર્વે સત્કર્મો ક્રોધ કરવાથી નિષ્ફળ થાય છે.
જેનાથી નિરાહાર રહી શકાતું ન હોય તેણે ફળાહાર કરવો, પરંતુ 'દેવશયની' એટલે અષાડ સુદ ૧૧, 'પ્રબોધની' એટલે કાર્તિક સુદ ૧૧ અને 'જળઝીલણી' કહેતાં ભાદરવા સુદ ૧૧ - આ ત્રણ એકાદશીનું વ્રત તો અવશ્ય નિરાહારપણે કરવું.
અને જેમ પરોક્ષના અવતારોના જન્મદિવસ તથા ઉત્સવના દિવસ જે જન્માષ્ટમી, શિવરાત્રી ઇત્યાદિ એ તેમના ભક્તો વ્રત કરે છે, તેમ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતોએ શ્રીહરિનો પ્રાગટ્યદિન જે ચૈત્ર સુદ ૯ - હરિજયંતી તે દિવસે નિરાહાર ઉપવાસ કરવો, શ્રીહરિકૃષ્ણ ભગવાનની મહાપૂજા કરવી ને રાત્રિએ જાગરણ કરવું. અને વ્રતના દિવસે સૂતક હોય કે રજસ્વલાપણું હોય તો પણ ઉપવાસ તો પોતે જ કરવો ને દેવપૂજા વગેરે તે બીજા ભક્તજન પાસે કરાવવાં.