શ્લોક : ૧૩૮

अन्नाद्यै: शक्तितोऽभ्यर्च्यो ह्यतिथिस्तैर्गृहागत: ।

दैवं पैत्र्यं यथाशक्ति कर्तव्यं च यथोचितम् ॥ ૧૩૮ ॥

અને તે ગૃહસ્થાશ્રમી તેમણે, પોતાને ઘેર આવ્યો એવો જે અતિથિ તેને પોતાના સાર્મથ્ય પ્રમાણે અન્નાદિકે કરીને પૂજવો. અને વળી હોમાદિક જે દેવકર્મ અને શ્રાદ્ધાદિક જે પિતૃકર્મ તે જે તે, પોતાના સાર્મથ્ય પ્રમાણે યથાવિધિ જેમ ઘટે તેમ કરવું. ॥ ૧૩૮ ॥

ભાવાર્થ

શ્રીહરિના આશ્રિત ગૃહસ્થોએ પોતાને ઘેર આવેલા 'અતિથિ' એટલે જેને, ગૃહસ્થને ઘેર આવવામાં કોઈ તિથિ નક્કી નથી તેનું નામ અતિથિ. નક્કી કરેલ તિથિએ, ગૃહસ્થને ઘેર આવનાર 'અભ્યાગત' કહેવાય છે. માર્ગે ચાલનાર, જેની વૃત્તિ દુર્બળ થઈ ગઈ હોય તે; વિદ્યાર્થી, ગુરુપોષક, યતિ અને બ્રહ્મચારી-એ છ ધર્મભિક્ષુકો, અર્થાત્ અતિથિઓ જાણવા. તેમને શક્તિ પ્રમાણે અન્નજળાદિથી અભિવાદનપૂર્વક સંતોષ પમાડવો. શત્રુ હોય તેમ છતાં જો તે, પોતાને ઘેર અતિથિ થઈને આવ્યો હોય તો તેનું પણ પૂજન કરવું. અતિથિપૂજન તે શ્રીહરિના પૂજન તુલ્ય છે.

અને તે ગૃહસ્થાશ્રમી તેમણે દેવસંબંધી વૈશ્વદેવાદિ કર્મ કરવાં. તેમ જ પિતૃકર્મ જે શ્રાદ્ધાદિ કર્મ તે પણ યથાશક્તિ તથા યથોચિત કરવાં.

શ્રીજીમહારાજે આ શ્લોકમાં હોમાદિક દેવકર્મ તથા શ્રાદ્ધાદિક પિતૃકર્મ કરવાનું કહ્યું તે યથાશક્તિ છે; કેમ કે વર્ણાશ્રમધર્મ જો શ્રીહરિની આજ્ઞાથી એમની પ્રસન્નતાર્થે પાળવામાં આવે તો, એ ભાગવતધર્મ જ છે. માટે ભાગવતધર્મને આશર્યા હોય તેમણે તો, એનાં એ વર્ણાશ્રમસંબંધી શુભ કર્મ, ભગવાનની આજ્ઞાથી ભગવાનની પ્રસન્નતાને અર્થે કરવાં.