શ્લોક : ૭૮
साष्टांगप्रणतिश्चेति नियमा उत्तमा मता: ।
एतेष्वेकतमो भक्त्या धारणीयो विशेषत: ॥ ૭૮ ॥
તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા. એ જે આઠ પ્રકારના નિયમ તે અમે ઉત્તમ માન્યા છે; તે માટે એ નિયમમાંથી કોઈ એક નિયમ જે તે, ચોમાસાને વિષે વિશેષપણે ભક્તિએ કરીને ધારવો. ॥ ૭૮ ॥
ભાવાર્થ
તથા ભગવાનને સાષ્ટાંગ નમસ્કાર કરવા - એ જે આઠ પ્રકારના નિયમ તે શ્રીજીમહારાજે ઉત્તમ માન્યા છે. હવે સાષ્ટાંગ એટલે કે બે પાદ, બંને હાથ, બંને ઢીંચણ, છાતી, મસ્તક, દૃષ્ટિ, વાણી એટલે ભગવાનની સ્તુતિ અને મનવડે પ્રણામ કરવો તે. અને બે બાહુ, બે ઢીંચણ, મસ્તક, વાણી અને દૃષ્ટિ - એ પાંચ અંગથી જે પ્રણામ તે પંચાગપ્રણામ કહેવાય. આમાં સાષ્ટાંગ પ્રણામ પુરુષોએ જ કરવા, ને પંચાગપ્રણામ તો સ્ત્રી-પુરુષ બધાએ કરવા. અને આ પ્રણામ કરવામાં ભગવાનના જમણા ભાગમાં રહીને, પોતાના જમણા - ડાબા હાથવડે, ભગવાનના અનુક્રમે, જમણા-ડાબા ચરણને (મનથી) સ્પર્શ કરી, કિંચિત્ દૂર રહી, દંડની પેઠે પડીને અર્થાત સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા. એક હાથથી પ્રણામ કરવાનો નિષેધ છે, માટે બંને હાથથી જ પ્રણામ કરવા.
આ જે આઠ વિશેષ નિયમ સિવાયના અન્ય નિયમો પણ ચાતુર્માસમાં પાલન કરવા યોગ્ય છે. તેમાં બ્રહ્મચર્ય પાળવું, ક્રોધ, લોભ ને રસાસ્વાદ જીતવા માટેના નિયમ, માયિક શબ્દાદિ પંચવિષયથકી ચક્ષુ આદિ ઇંદ્રિયોને નિયમમાં રાખવી, અહંકારનો ત્યાગ કરવો, ઇંદ્રિયો અને મનનું ભગવાનની મૂર્તિને વિષે એકાગ્રપણું કરવું અર્થાત્ ઇંદ્રિયજીત થઈ, પોતાની શક્તિ પ્રમાણે નિત્યે ભગવાનનું ધ્યાન કરવું વગેરેનો સમાવેશ થાય છે.