શ્લોક : ૧૪૯

कर्तव्यं कारणीयं वा श्रावणे मासि सर्वथा ।

बिल्वपत्रादिभि: प्रीत्या श्रीमहादेवपूजनम् ॥ ૧૪૯ ॥

અને શ્રાવણ માસને વિષે, શ્રીમહાદેવનું પૂજન જે તે, બિલ્વપત્રાદિકે કરીને પ્રીતિપૂર્વક સર્વપ્રકારે પોતે કરવું; અથવા બીજા પાસે કરાવવું. ॥ ૧૪૯ ॥

ભાવાર્થ

શ્રીહરિએ આ પૃથ્વી પર પ્રગટ થઈ આત્યંતિક મોક્ષની અખંડ સરવાણી વહેતી કરી. અનેક જીવોને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવાને માટે શ્રીહરિ પોતાના અનેક મુક્તોનું પૃથ્વી પર અવતરણ કરાવે છે. માટે શ્રીહરિના કોઈ ને કોઈ પરમ એકાંતિક કે અનાદિમુક્ત આ અવનિ પર શ્રીહરિએ શરૂ કરેલ આત્યંતિક મોક્ષનું સદાવ્રત ચાલુ રાખવા વિચરણ કરતા હોય છે. આવા જે માયાથી મુક્ત ને શ્રીહરિના સંબંધને પામેલા હોય તેમને 'શિવ' કહેવાય છે. (આ શિવનો પ્રત્યક્ષાર્થ છે. પરોક્ષાર્થમાં તો શિવ એટલે મહાદેવજી કહેવાય છે.)

આવા જે 'શિવ' એટલે શ્રીહરિના એકાત્મ્યને પામેલા એવા મહાસમર્થ મુક્તો, તે ઓળખાય ને તેમનો જોગ પ્રાપ્ત થાય તે સમય શ્રાવણ માસ જાણવો. ને એવા મુક્તોની મન-કર્મ-વચને તથા અન્ન-વસ્ત્ર, ફળફળાદિ ઇત્યાદિકથી સેવા કરવી તે તેમનું બિલ્વપત્ર વડે પૂજન કર્યું જાણવું.

આમ શ્રીહરિજીના સંકલ્પથી અનંત જીવોનું કલ્યાણ કરવાને અર્થે મનુષ્ય દેહ ધારણ કરી પૃથ્વી પર દર્શન દેતા એવા મહાઅનાદિ મુક્તોને ઓળખીને તેમનો જોગ-સમાગમ કરવો. અને તેમની અન્ન-વસ્ત્રાદિકે કરીને સેવા કરી તેમનો રાજીપો મેળવવો. એવા મુક્તો પૃથ્વી પર પ્રત્યક્ષ ન હોય ત્યારે તેમને શ્રીજીમહારાજ સાથે દિવ્યભાવે સંભારી માનસીપૂજા દ્વારા સેવા તથા તેમણે કરેલા આદેશ અનુસાર સેવા કાર્યો કરવા - આ શિવપૂજાનો પ્રત્યક્ષાર્થ છે.