શ્લોક : ૭૩

अपि भूरिफलं कर्म धर्मापेतं भवेद्यदि ।

आचर्यं तर्हि तन्नैव धर्म: सर्वार्थदोऽस्ति हि ॥ ૭૩ ॥

અને ઘણુંક છે ફળ જેને વિષે એવું પણ જે કર્મ, તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું; કેમ જે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થને આપનારો છે; માટે કોઈક ફળના લોભે કરીને ધર્મનો ત્યાગ ન કરવો. ॥ ૭૩ ॥

ભાવાર્થ

શ્રીજીમહારાજના આશ્રિતોએ મહાફળ અથવા ઘણો મોટો ધનનો લાભ થાય એવું કોઈ કર્મ કે ક્રિયા, પણ એ કર્મ કે ક્રિયા કરવાથી પોતાના ધર્મનો નાશ થતો હોય તો, તેવું કર્મ કે તેવી ક્રિયા, તેનું આચરણ ન કરવું. અને સ્વધર્મ યથાર્થ પાળવામાં ભલે, હાથમાં મૃત્તિકાનું પાત્ર લઈને માગી ખાવાનો સમય આવે, તો પણ તેમણે પોતાને ધનાઢય જ માનવા: કેમ કે ધર્મવાળા સાધુપુરુષોને તો ધર્મ એ જ ધન છે. પૃથ્વીના વિકારરૂપ જે સુવર્ણાદિ દ્રવ્ય - કે જેનો આત્મ સાથે સંબંધ નથી ને જે અનર્થ કરનારો છે, તેવા દ્રવ્ય વડે અવિવેકી પુરુષો પોતાને ધનાઢ્ય માને છે; જ્યારે વિવેકી પુરુષો તો, જીવાત્માની સાથે જેને સદા સંબંધ છે અને પરલોક સંબંધી પરમ શ્રેયને પમાડનારો છે એવો જે ધર્મ, તેણે કરીને જ પોતાને ધનાઢ્ય માને છે. અને સ્વધર્મ જ, પોતે ઇચ્છેલા સર્વ પદાર્થોને આપે છે. ધર્મનું આચરણ કરવાથી કોઈ પણ ભોગ અથવા ભોગનાં સ્થાનકો અપ્રાપ્ય રહેતાં નથી. સદ્વિદ્યા, ધન, શરીરસૌંદર્ય, શૌર્ય, સત્કુળમાં જન્મ અને નિરોગિતા-આ બધું ધર્મ પાલનથી જ પ્રાપ્ત થાય છે. અને સાંસારિક સમગ્ર સંકટથકી સમુદ્ધારરૂપ જે 'મુક્તિ', તે પણ ધર્માનુષ્ઠાનથી જ પ્રાપ્ત થાય છે. એ હેતુ માટે ધનાદિકના, કે રાજ્યાદિકના, કે સ્ત્રિયાદિકના કે દેહસુખ-સંપત્તિના લોભે કરીને પણ ધર્મનો ત્યાગ ન કરવો - એવો શ્રીહરિજીનો સિદ્ધાંત છે.