શ્લોક : ૬૨

आचार्येणैव दत्तं यद्यश्च तेन प्रतिष्ठितम् ।

कृष्णास्वरु़पं तत्सेव्यं वन्द्यमेवेतरत्तु यत् ॥ ૬૨ ॥

અને જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ પોતાને સેવવાને અર્થે ધર્મવંશના જે આચાર્ય તેમણે જ આપ્યું હોય, અથવા તે આચાર્યે જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય, તે જ સ્વરૂપને સેવવું અને તે વિના બીજું જે શ્રીકૃષ્ણનું સ્વરૂપ તે તો નમસ્કાર કરવા યોગ્ય છે પણ સેવવા યોગ્ય નથી. ॥ ૬૨ ॥

ભાવાર્થ

જે પોતે સ્વયં આચરણ કરે અને 'બીજાને' અર્થાત્, પોતાના શિષ્યવર્ગને આચારમાં સ્થાપન કરે તથા શાસ્ત્રોના અર્થને વિચારે; કહેતાં, શાસ્ત્રનો રહસ્યસિદ્ધાંત હોય તેને સમજે ને બીજાને સમજાવે તે આચાર્ય કહેવાય. હવે આવા જે આચાર્ય તેમણે પોતાને પૂજન કરવા માટે આપેલું હોય અથવા તેમણે પ્રતિષ્ઠા કરેલું હોય એવું શ્રી સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ, તે જ સેવવા યોગ્ય છે; પણ તે સિવાય બીજાએ આપેલું કે પ્રતિષ્ઠા કરેલું સ્વરૂપ, તે તો કેવળ વંદન કરવા યોગ્ય છે; અર્થાત્ ભગવદ્ભાવવડે નમસ્કાર કરવા યોગ્ય છે, પણ સેવવા યોગ્ય-ઉપાસના કરવા યોગ્ય નથી.

વળી તે જે ભગવાનની મૂર્તિ તેમાં પાષાણ, ધાતુ, કાષ્ઠ કે ચિત્રાદિકનો ભાવ ન રાખવો. જેમને ભગવાનની મૂર્તિમાં પાષાણાદિકની બુદ્ધિ, ગુરુજનને વિષે મનુષ્યબુદ્ધિ, સત્સંગીને વિષે જાતિબુદ્ધિ, ભગવાન તથા ભગવાનના ભક્તના સ્પર્શવાળા, કળિમળને હરનારા તીર્થજળને વિષે સામાન્ય જળપણાની બુદ્ધિ, પાપ હરનારા ભગવાનના નામમંત્રમાં સામાન્ય શબ્દપણાની બુદ્ધિ અને સર્વેશ્વર પરમાત્મા અને તે સિવાયના બીજાને વિષે સરખી બુદ્ધિ હોય તે નારકી થાય છે.