શ્લોક : ૨૧૦
युक्ताय सम्पदा दैव्या दातव्येयं तु पत्रिका ।
आसुर्या सम्पदाढयाय पुंसे देया न कर्हिचित् ॥ ૨૧૦ ॥
અને આ જે અમારી શિક્ષાપત્રી તે જે તે, દૈવી સંપદાએ કરીને યુક્ત જે જન હોય - તેને આપવી; અને જે જન આસુરી સંપદાએ કરીને યુક્ત હોય, તેને તો ક્યારેય ન આપવી. ॥ ૨૧૦ ॥
ભાવાર્થ
હવે શ્રીહરિ આજ્ઞા કરે છે કે, આ જે શિક્ષાપત્રી તે દૈવી સંપત્તિવાળા મનુષ્યોને જ આપવી; પણ અસુરસર્ગમાં ઉત્પન્ન થયેલા એવા આસુરી સંપત્તિવાળા જનોને, આ શિક્ષાપત્રી ક્યારેય ન આપવી; કેમ કે અપાત્રને દાન આપવાથી વિપરીત પરિણામ આવે છે.
અસત્ય ભાષણ, પરગુણોમાં દોષનું આરોપણ, બીજાનું અનર્થ ચિંતવવું, ઈર્ષ્યા, તુષ્ણા, આશા, મમતા તેમ જ અહંમમત્વ - આ સર્વે અધર્મની શક્તિઓ છે. અને દંભ, લોભ, મત્સર, કામ, ક્રોધ, મદ, ગર્વ, મોહ, કઠોર વાણી, સ્નેહ, માન, અસત્યમાં પ્રવૃત્તિ, ક્લેશ કરવાનો સ્વભાવ, દ્રોહ, અશૌચ, અવિશ્વાસ, ચોરી કરવી, સુરા-મદ્યાદિકનું પાન કરવું, નિર્દયતા, દ્યૂત, નાસ્તિકપણું, પ્રમાદ, ચાડિયાપણું, સ્પૃહા, રાગ, દ્વેષ, ભય, દુઃખ, અજ્ઞાન, વ્યસન, દુરુક્તિ, નિકૃતિ, હિંસા, પાપ, મૃત્યુ થાય એવું કર્મ કરવું, યાતના ઇત્યાદિક અધર્મસર્ગ છે. આ જે અધર્મની શક્તિઓ અને અધર્મસર્ગ તે આસુરી સંપત્તિવાળા જનોને અત્યંત પ્રિય હોય છે. ને દૈવી સંપત્તિવાળા મુમુક્ષુજનોએ તે ત્યાગ કરવા યોગ્ય છે.
શ્રદ્ધા, શાંતિ, દયા, તત્ત્વનું અવધારણ કરવાનું સાર્મથ્ય; સંતોષ, માનસિક બળસંપત્તિ, સાધનનું અનુષ્ઠાન, ભગવદ્ભક્તમાં સુહૃદયભાવ, સુખદુઃખમાં સહનશીલતા, નિષિદ્ધાચરણમાં લજ્જા પામવી, શાસ્ત્રમાં કહેલા કલ્યાણના સાધનોમાં નિશ્ચય, પ્રતિમામાં આદર, મોક્ષસંબંધી કર્માનુષ્ઠાનમાં તત્પરતા, મોક્ષસંબંધી સંપત્તિથી ઉત્તરોત્તર ચઢતી કળા - આ સર્વે ધર્મની શક્તિઓ છે. અને જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, અભય, મન, વાણીને દેહે કરીને એકરૂપતા, તપ, સત્ય, શૌચ, સુખ, શાસ્ત્રીય કર્માનુષ્ઠાનમાં કુશળતા, આત્મ-પરમાત્મ સ્વરૂપના ચિંતનમાં સ્થિરતા, ધૈર્ય, કોમળતા, સંતોષ કર્મેન્દ્રિયોને નિયમમાં રાખવી, ત્યાગ, યોગ, યજ્ઞ, અંતઃકરણને નિયમમાં રાખવાં, બાહ્ય ઇંદ્રિયોને નિયમમાં રાખવી, ઉપાસના, વાસનાનો વિરામ, આસ્તિકપણું, ક્ષમા, સ્મૃતિ, તેજ, મનની નિર્મળતા, શુભ, સચ્છાસ્ત્રનો અભ્યાસ, વિનય, શોકે રહિતપણું, ધ્યાન, સામ્ય, બ્રહ્મવિદ્યાલાભ, પરને પ્રિય લાગે એવું ઉચ્ચારણ, કલ્યાણને અનુકુળ એવા અર્થની સંપત્તિ અને 'ઉદ્યમ' જે સંતસમાગમ, શાસ્ત્રાધ્યયન વગેરે કલ્યાણકર માર્ગમાં ઉદ્યુકત થવું તે - આ સર્વે ધર્મસર્ગ; અર્થાત્ દૈવી સંપત્તિ જાણવી.
આવા દૈવી સંપત્તિરૂપ ધર્મસર્ગના ગુણો જેમાં આવ્યા હોય, ને મોક્ષ માટે ઈશ્વરની આરાધના કરતા હોય તેમને દૈવીપુરુષ જાણવા, ને એવા મનુષ્યોને જ શિક્ષાપત્રી આપવી; પરંતુ ભગવાનની પ્રતિમામાં તથા શાસ્ત્રમાં વિશ્વાસરહિત હોય તેમને તો, આ શિક્ષાપત્રી ક્યારેય ન આપવી.