શ્લોક : ૧૪૩

ससाक्ष्यमन्तरा लेखं पुत्रमित्रादिनाऽपि च ।

भुवित्तदानादानाभ्यां व्यवहार्यं न कर्हिचित् ॥ ૧૪૩ ॥

અને સાક્ષીએ સહિત લખત કર્યા વિના તો, પોતાના પુત્ર અને મિત્રાદિક સાથે પણ, પૃથ્વી ને ધનના લેણદેણે કરીને વ્યવહાર જે તે, ક્યારેય ન કરવો. ॥ ૧૪૩ ॥

ભાવાર્થ

સાક્ષીનું કર્મ તેને સાક્ષ્ય - સાખ કહેવાય. તે સહિત-લખી આપનાર તથા લખી લેનારની હાજરીમાં 'લેખ' જે પરસ્પર સહી - દસ્કતે યુક્ત, તેમ જ સાક્ષીઓનું સહીવાળું લખાણ તે કર્યા વિના 'પુત્ર તથા મિત્રાદિ' કહેતાં પુત્ર, મિત્ર તથા બીજાં સગાંસંબંધીઓની સાથે પણ ખેતર તથા ઘર વગેરે જમીન તથા રૂપિયા-દાગીના વગેરે દ્રવ્ય; તે આપવું, લેવું ઇત્યાદિ કોઈ પણ જાતનો વ્યવહાર ન કરવો. અને તે સાક્ષી, તપસ્વી, દાન આપવાના સ્વભાવવાળા, કુલીન, સત્યવાદી, ધર્મ જેને મુખ્ય હોય એવા, સરળ સ્વભાવવાળા, પુત્રવાળા, ધનવાળા, ત્રણથી ઓછા, શ્રોત તથા સ્માર્ત કર્મપરાયણ, જેની સાક્ષી પુરવાની હોય તેની જાતિના તેમ જ વર્ણના હોવા જોઈએ. અને તે લેવડ-દેવડનું લખાણ કરવામાં બુદ્ધિમાન, બોલવામાં ચતુર, ધીર, જલદી લખનારો, સ્ફૂટ અક્ષરવાળો તથા રાજનીતિમાં પ્રવીણ - એવા ગુણવાળો લેખક હોવો જોઈએ.