શ્લોક : ૨૦૨
दूतकर्म न कर्तव्यं पैशुनं चारकर्म च ।
देहेऽहन्ता च ममता न कार्या स्वजनादिषु ॥ ૨૦૨ ॥
અને કોઈનું દૂતપણું ન કરવું, તથા ચાડિયાપણું ન કરવું, ને કોઈના ચારચક્ષુ ન થવું; અને દેહને વિષે અહંબુદ્ધિ ન કરવી, ને સ્વજનાદિકને વિષે મમતા ન કરવી. (એવી રીતે સાધુના વિશેષ ધર્મ કહ્યા.) ॥ ૨૦૨ ॥
ભાવાર્થ
અને તે સાધુ તથા બ્રહ્મચારી તેમણે 'દૂતનું' એટલે સંદેશો પહોંચાડવાનું કામ ન કરવું. વળી ચાડીખોર તેનું કર્મ તે 'ચાડિયાપણું' એટલે પારકાની ગુપ્ત વાતને છાની રીતે બીજાને કહી દેવી તે; તેવું કામ ન કરવું. કારણ કે ચાડિયાપણામાં નિર્દયપણું આવવાનો સંભવ છે અને 'ચારકર્મ' જે જાસુસનું કામ; અર્થાત્ છાના રહીને એકનું ગુહ્ય વૃત્તાંત જાણી લઈને બીજાને કહી દેવું; તે પણ ન કરવું. કેમ કે એવા ચારકર્મમાં નિઃસ્પૃહતા તથા નિષ્કપટતાના ગુણોનો નાશ થવાનો સંભવ છે. વળી ત્યાગીએ ગૃહસ્થના વ્યવહારનો નિર્ણય પણ ન કરવો; કારણ કે ત્યાગીઓ, વ્યવહારકાર્યમાં અમંગળ હોઈ તેમાં તેમનો અધિકાર નથી.
અને તે સાધુને બ્રહ્મચારી તેમણે 'દેહને વિષે' એટલે પોતાના શરીરમાં 'અહંતા' ન કરવી; કહેતાં, દેહ તે હું છું એવા અભિનિવેશનો ત્યાગ કરવો; અર્થાત્ આત્મનિષ્ઠાયુક્ત વર્તીને દેહાભિમાન ટાળવું. તેમાં પ્રથમ પોતાના તથા બીજાના દેહનું સ્વરૂપ યથાર્થ જાણવું. તે દેહ, માંસના લોચા તથા મળ આદિક અપવિત્ર ભૂંડી વસ્તુથી ભેરલી કોથળી જેવો છે. વળી ત્વચા, માંસ, રુધિર, નાડીઓ, મેદ, મજ્જા, હાડકાના કકડા, વિષ્ટા, મૂત્ર વગેરે અપવિત્ર વસ્તુઓથી ભરેલો છે. વૃદ્ધાવસ્થા તથા નાના પ્રકારના રોગે યુક્ત, એવા દેહમાં કોઈ પણ વસ્તુ સારી નથી. તેવા દેહને વિષે આસક્તિવાળા જીવ, અંડજ, ઉદ્ભિજ, સ્વેદજ ને જરાયુજ-એ ચાર પ્રકારની યોનિને પામી, તે તે દેહોને વારંવાર ધરે છે. આવા પ્રકારના સાંખ્ય વિચારથી દેહમાંથી પ્રીતિ ટળી જાય છે.
વળી ત્યાગી સાધુઓએ 'સ્વજન' એટલે પોતાના સંબંધીઓમાં 'મમતા' જે આ કુટુંબીઓ મારાં છે, એવું માનીને સ્નેહ ન કરવો. તેમ જ વસ્ત્ર, પાત્ર, રાચરચીલું વગેરેમાં પણ મમતા કરવી નહિ; કેમ કે તે તે વસ્તુઓ દેહના સંબંધવાળી હોઈ અને આત્મા-પરમાત્માના વિચારમાં બાધક હોઈ, મોક્ષમાર્ગમાં વિઘ્ન કરનાર છે. અને ત્યાગીઓએ એવો વિચાર કરવો કે, સ્વર્ગમાં દેવતાઓને સુખ નથી અને દેવતાઓથી બીજાને પણ સુખ નથી તો, આ ર્મત્યલોકનાં વિષયથી વ્યાકુળ એવાં મનુષ્યો, મને શું સુખ આપનારા છે? એમ જાણી, પોતાના પૂર્વાશ્રમના સંબંધીજનોમાં હેત રાખવું નહિ; કારણ કે દેહ ને દેહના સંબંધીમાંથી સ્નેહ-રહિતપણાથકી પરમ સુખ પ્રાપ્ત થાય છે તથા પરમાત્માને વિષે પ્રીતિ થાય છે.
શ્રીહરિજીએ કહેલા જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત ધર્મને અનુસરીને જે ત્યાગીસાધુ શ્રીહરિને ભજે છે તે ભગવાનના એકાંતિક ભક્ત કહેવાય છે.