શ્લોક : ૩૩

अद्वारेण न निर्गम्यं प्रवेष्टव्यं न तेन च ।

स्थाने सस्वामिके वास:कार्योऽपृष्ट्वा न तत्पतिम् ॥ ૩૩ ॥

અને ચોરમાર્ગે કરીને પેસવું નહિ અને નીસરવું નહિ; અને જે સ્થાનક ધણિયાતું હોય તે સ્થાનકને વિષે તેના ધણીને પૂછ્યા વિના ઉતારો ન કરવો. ॥ ૩૩ ॥

ભાવાર્થ

અલ્પદ્વાર એટલે કોઈક આપત્કાળ પ્રસંગે છાની રીતે ઘરમાંથી જવા-આવવાને માટે જે નાનું દ્વાર રાખ્યું હોય એવા દ્વારે થઈને પેસવું નહિ તથા કુત્સિત માર્ગેથી એટલે વાડમાં છીંડું પાડીને તથા વાડ, વંડી કે ઝાંપો ટપીને પેસવું નહિ તેમ જ બહાર પણ નિકળવું નહિ. કારણ કે તે ચોરમાર્ગનું પ્રતીક છે.

વળી જેનો 'સ્વામી' કહેતાં માલિક કે રક્ષક હયાત હોય એવી ધર્મશાળામાં પણ તેના ધણીને કે રખેવાળને પૂછ્યા વિના એક રાત્રી પણ વાસ ન કરવો; નહિતર તે સ્થાનનો સ્વામી કે રખેવાળ તિરસ્કાર કરે અથવા કાઢી મૂકે તેથી પોતાને પણ ક્રોધ થાય અને તેમાંથી મહાન ક્લેશ થવા પામે એવો આશય છે.

હવે 'માલિકને પૂછવું' એટલે પોતાના ઉતારા કે આસન માટે અનુજ્ઞા લેવી. તે પણ તે માલિકના પૂર્વવૃત્તાંત વગેરે પૂછ્યા પછી લેવી; નહિતર કદાચિત્ તેનું પૂર્વવૃત્તાંત સારું ન હોય તો તેની આજ્ઞા મળ્યા છતાં અને તે સ્થાન રહેવા માટે યોગ્ય હોવા છતાં પણ ત્યાં આસન આદિ કરવાથી લોકોમાં હાંસી થાય ને માથે અપવાદ ચડે.

અહીં વિસ્તારપૂર્વક અર્થ જોઈએ તો એમ કહેવાનો આશય છે કે કોઈ પણ વસ્તુનો તેના માલિક ને પૂછ્યા વિના ઉપયોગ કે ઉપભોગ કરવો નહિ.