શ્લોક : ૩૭

गुरु़देवनृपेक्षार्थं न गभ्यं रिक्तपाणिभि: ।

विश्वासघातो नो कार्य: स्वश्लाधा स्वमुखेन च ॥ ૩૭ ॥

અને ગુરુ, દેવ અને રાજા એ ત્રણના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ઠાલે હાથે ન જવું અને કોઈનો વિશ્વાસઘાત ન કરવો અને પોતાને મુખે કરીને પોતાનાં વખાણ ન કરવાં. ॥ ૩૭ ॥

ભાવાર્થ

'ગુરુ' એટલે વર્તમાન ધરાવી કંઠી બાંધી શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત કરી શ્રીહરિ સંબંધી અધ્યાત્મ જ્ઞાન આપી શ્રીજીમહારાજના દિવ્યસુખની પ્રાપ્તિ માટે પાત્ર કરનાર. 'દેવ' - કહેતાં પોતાના ઇષ્ટદેવ જે શ્રી સ્વામિનારાયણ ભગવાન. 'રાજા' - જે દેશનું શાસન ચલાવનાર. આટલાનાં દર્શને જવું હોય ત્યારે કાંઈક પણ ભેટ લઈને જવું. પરંતુ ઠાલે હાથે ન જવું.

હવે શ્રીહરિ કહે છે કે : કોઈનો વિશ્વાસઘાત ન કરવો. વિશ્વાસઘાત એટલે કોઈને એવો વિશ્વાસ આપીએ કે, હું તારું કામ અવશ્ય કરીશ - તારું રક્ષણ કરીશ, એ વગેરે વાક્યો વડે વિશ્વાસ આપીને તે પછી તેનું કામ ન કરવું તેનું નામ વિશ્વાસઘાત કહેવાય - તે ન કરવો. કારણ કે જે બીજાનો વિશ્વાસઘાત કરી તેને દુઃખ ઉત્પન્ન કરે છે તે મહા પાતકી થાય છે.

વળી શ્રીહરિના આશ્રિતોએ પોતાના મુખથી પોતાની પ્રશંસા ન કરવી. પોતે અત્યંત ગુણવાન હોય, તથાપિ પોતાના મુખથી પોતાના તપ-વિદ્યાદિ ગુણોની પ્રશંસા ક્યારેય પણ કરવી નહિ; ને પોતામાં જે માન-ક્રોધાદિ દોષ રહ્યા હોય તે એકાંતિક મોટા સાધુઓની સમીપે, પોતાના મુખથી પોતે પ્રકાશ કરવા. કેમ કે મોટા સંતો આગળ પોતાના દોષનું પ્રકાશન કરવાથી જ પાપનો પ્રક્ષય થાય છે. અને પારકાની નિંદાથી અને પોતાના મુખે પોતાની પ્રશંસા કરવાથી પોતાના પુણ્યનો નાશ થાય છે.