શ્લોક : ૧૮૦
ब्रह्मचर्यव्रतत्यागपरं वाक्यं गुरोरपि ।
तैर्न मान्यं सदा स्थेयं धीरैस्तुष्टैरमानिभि: ॥ ૧૮૦ ॥
અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે, પોતાના બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય એવું જે વચન તે તો, પોતાના ગુરુનું પણ ન માનવું, ને સદાકાળ ધીરજવાન રહેવું અને સંતોષેયુક્ત રહેવું અને માને રહિત રહેવું. ॥ ૧૮૦ ॥
ભાવાર્થ
ગુરુની આજ્ઞા, શિષ્યોએ સર્વપ્રકારે પાળવી-એવા પ્રકારનાં શાસ્ત્રોનાં વચનોનો આધાર લઈ, શ્રીજીના આશ્રિત કોઈ નૈષ્ઠિકવ્રતધારી, પોતાના બ્રહ્મચર્યવ્રતનો ભંગ થતો હોય તો પણ ગુરુનું વચન તો માનવું જોઈએ - એવું ન સમજી બેસે, તે વાસ્તે શ્રીહરિએ આ શ્લોકમાં આજ્ઞા કરી છે કે, નૈષ્ઠિક બ્રહ્મચારીઓએ, બ્રહ્મચર્યવ્રતનો ત્યાગ થાય તેવું વચન, પોતાના ગુરુનું હોય તો પણ તે માનવું નહિ; ગુરુના વાક્યનું પાલન કરવાનો બોધ આપનારી સ્મૃતિઓ તો, વ્રત-ઉપવાસ વગેરેમાં તથા રોગ-પ્રવાસ વગેરે આપત્તિમાં, ભોજન વિષે શું કરવું તેના બોધ પરત્વે છે, પરંતુ નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતના ભંગ પરત્વે નથી. અને બ્રહ્મચર્ય તો આપત્કાળમાં પણ ત્યાગ કરવું નહિ. આઠમું સ્ત્રીના અંગસંગના ત્યાગરૂપ જે બ્રહ્મચર્ય છે તે તો, પોતાના પ્રાણનો નાશ થવાનો સંભવ ઉપસ્થિત થાય તો પણ, તેનો ત્યાગ ન કરવો.
અને તે વર્ણીઓએ, સૂર્ય અસ્ત થયા પછી વિપત્તિ વિના માર્ગમાં ચાલવું નહિ. તથા જે ઘરમાં દંપતી, રાત્રીએ સૂતાં હોય તે થકી એક ભીંતમાત્ર અંતરાયવાળા ઘરમાં, વર્ણીએ સૂવું નહિ. માર્ગમાં જતી સ્ત્રી થકી ચાર હાથ છેટે ચાલવું. જો માર્ગ સાંકડો હોય, કે ભગવાનના હરિજયંતી આદિક મહોત્સવ હોય કે, સ્ત્રીનું બાળત્વ-ઉન્મત્તત્વરૂપ મૂર્ખપણું હોય, કે ભિક્ષા - યાચનાદિ પ્રસંગ હોય ત્યારે તો, સ્ત્રીના અંગનો સ્પર્શ પોતાને જેમ ન થાય તેમ વર્તવું. અને વર્ણી જો પ્રમાદથી પોતે જ વીર્યપાતન કરે તો પ્રાયશ્ચિત્ત તરીકે ચાંદ્રાયણવ્રત કરવું. જો સ્વત: વિર્યસ્ત્રાવ થાય તો એકદિવસ ઉપવાસ કરવો. સાક્ષાત્ સ્ત્રીસંગ કરે તો એની પ્રાયશ્ચિત્તવડે શુદ્ધિ છે જ નહિ.
વળી તે બ્રહ્મચારીઓએ સર્વકાળમાં 'ધીર' એટલે, વિકારનું કારણ પ્રાપ્ત થયા છતાં, જેમના ચિત્તમાં વિકાર ન થાય તે - તેવાં થઈને રહેવું. તથા સંતોષે યુક્ત રહેવું; અર્થાત્, દૈવઇચ્છાથી મળેલી ભિક્ષાવડે સંતુષ્ટ રહેવું, પરંતુ રસાસક્તિથી ધનિકની પાસે ભિક્ષાની યાચના ન કરવી. તેમ જ અમાની એટલે કે માન રહિત થઈને રહેવું. ભગવાનના પદની પ્રાપ્તિના સાધનમાં નિર્માનીપણું અગ્રસ્થાને છે, કેમ જે અભિમાનથી સર્વસ્વનો નાશ થાય છે.