શ્લોક : ૧૫૩-૧૫૪

दुष्कालस्य रिपूणां वा नृपस्योपद्रवेण वा ।

लज्जाधनप्राणनाश: प्राप्त: स्याद्यत्र सर्वथा ॥ ૧૫૩ ॥

અને જે ઠેકાણે પોતે રહેતા હોઈએ તે ઠેકાણે કોઈક કઠણ - ભૂંડો કાળ, અથવા શત્રુ, અથવા રાજા-તેમના ઉપદ્રવે કરીને સર્વપ્રકારે પોતાની લાજ જતી હોય, કે ધનનો નાશ થતો હોય, કે પોતાના પ્રાણનો નાશ થતો હોય. ॥ ૧૫૩ ॥

मूलदेशोऽपि स स्वेषां सद्य एव विचक्षणै: ।

त्याज्यो मदाश्रितै: स्थेयं गत्वा देशान्तरं सुखम् ॥ ૧૫૪ ॥

અને તે જો પોતાના મૂળ ગરાસનું તથા વતનનું ગામ હોય, તો પણ તેનો વિવેકી એવા જે અમારા સત્સંગી ગૃહસ્થ, તેમણે તત્કાળ ત્યાગ કરી દેવો અને જ્યાં ઉપદ્રવ ન હોય તેવો જે બીજો દેશ, તે પ્રત્યે જઈને સુખેથી રહેવું. ॥ ૧૫૪ ॥

ભાવાર્થ

દુકાળ આદિ કુદરતી આપત્તિના ઉપદ્રવથી અથવા પોતાના શત્રુઓના ઉપદ્રવથી અથવા તો રાજા જે ગામના અધિપતિના ઉપદ્રવથી - જે દેશમાં સર્વે પ્રકારે પોતાની લજ્જા, પોતાનું ધન તથા પ્રાણ તેનો નાશ થવાનો સમય આવ્યો હોય ત્યારે પોતાનું વંશપરંપરાનું-બાપદાદાનું સ્થાન હોય, તો પણ શ્રીહરિના આશ્રિત એવા ગૃહસ્થાશ્રમીઓએ તેનો તત્કાળ ત્યાગ કરવો, પણ ત્યાં પડી રહેવું નહિ. વળી અધર્મી જનો જે સ્થળે રહેતા હોય એવા અધાર્મિક ગામમાં, તથા રોગગ્રસ્ત વિસ્તારવાળા ગામમાં ન રહેવું; પણ બીજા દેશમાં જઈને જેવી રીતે સુખ થાય તે રીતે રહેવું. અને ત્યાં પણ ઉપદ્રવ હોય તો, તે દેશનો પણ ત્યાગ કરવો. સારી રીતે રહી, જ્યાં પ્રભુ પરાયણ જીવન જીવી શકાય તેનું નામ 'દેશ' કહેવાય.