શ્લોક : ૬૪

कार्यास्तस्य कथावार्ता: श्रव्याश्च परमादरात् ।

वादित्रसहितं कार्यं कृष्णकीर्तनमुत्सवे ॥ ૬૪ ॥

અને તે શ્રીકૃષ્ણની જે કથાવાર્તા તે પરમ આદર થકી કરવી ને સાંભળવી અને ઉત્સવને દિવસે વાજિંત્રે સહિત શ્રીકૃષ્ણનાં કીર્તન કરવાં. ॥ ૬૪ ॥

ભાવાર્થ

અનાદિ કૃષ્ણનામક શ્રીહરિકૃષ્ણ મહાપ્રભુ તેમના સંબંધી 'કથા' વાંચવી-સાંભળવી તથા તેમના સંબંધી 'વાર્તા' એટલે દૃષ્ટાંત સિદ્ધાંત સાથે શ્રીહરિના સ્વરૂપનું માહાત્મ્ય તથા તેમના લીલાચરિત્ર કહેવાં - સાંભળવાં. તેમ જ શ્રીહરિના સ્તોત્ર-કીર્તન-કાવ્યાદિ, વાજિંત્ર સાથે, ઉત્સવના દિવસે ગાવવાં. વળી જ્ઞાને સહિત ભગવાનનું ધ્યાન થાય એ જ કથાવાર્તાનું ફળ છે, માટે શ્રીહરિની મૂર્તિનું ધ્યાન પણ કરવું.

શ્રીજીમહારાજના મહિમાને કહેનારી અને પવિત્ર કરનારી એવી કથાઓને જે કહે છે તથા સાંભળે છે; ને શ્રીહરિને વિષે જ જેમના ચિત્ત છે, એવા મનુષ્યોને સંસાર સંબંધી ત્રિવિધ તાપો તપાયમાન કરતા નથી, માટે બ્રહ્મરૂપ થયેલા અને પરબ્રહ્મને વિષે નિષ્ઠાવાળા એવા જ્ઞાનીઓએ પણ, ભગવાનની શ્રવણ-કીર્તનાદિરૂપ નવ પ્રકારની ભક્તિ જ નિરંતર કરવી.

હવે 'ઉત્સવને દિવસે' એટલે એકાદશી, પૂર્ણિમા વગેરે દિવસોમાં, 'વાજિંત્ર વડે' અર્થાત્ કાંસીજોડાં, મૃદંગ આદિક વાજિંત્ર વગાડવાપૂર્વક; 'કૃષ્ણ' કહેતાં શ્રીહરિકૃષ્ણભગવાન; તેમના સ્વરૂપનાં કિર્તનો ગાવવાં તથા મહાપૂજા, ફળદાન, અન્નદાન, ભગવાનની મૂર્તિ આગળ નૃત્ય, ભગવાનનો અભિષેક વગેરે કરવું.