શ્લોક : ૩૮
यस्मिन् परिहितेऽपि स्युर्दृर्श्यान्यङ्गनि चात्मन: ।
तद्दष्यं वसनं नैव परिधार्यं मदाश्रितै: ॥ ૩૮ ॥
અને જે વસ્ત્ર પહેર્યે થકે પણ પોતાનાં અંગ દેખાય તેવું જે ભૂંડું વસ્ત્ર, તે અમારા સત્સંગી તેમણે ન પહેરવું. ॥ ૩૮ ॥
ભાવાર્થ
જે વસ્ત્ર પહેરવા છતાં પણ શરીરના જે ગુપ્ત રાખવા જેવા અવયવો, બીજા મનુષ્યોની દૃષ્ટિએ પડે તેમ હોય તો તેવું વસ્ત્ર ન પહેરવું. કારણ કે જે અંગો ઢાંકવા માટે વસ્ત્રનો ઉપયોગ કરતાં હોઈએ તે અંગ જો યથાયોગ્ય ન ઢંકાય તો વસ્ત્ર પહેર્યાં તે ન પહેર્યાં બરાબર કહેવાય. માટે શિષ્ટપુરુષોએ દૂષણરૂપ ગણ્યાં હોય એવાં વસ્ત્રો શ્રીહરિના આશ્રિત સ્ત્રી-પુરુષોએ ન પહેરવાં. આવા વસ્ત્રોમાં અતિ ઝીણાં, શરીરનાં અંગ દેખાય તેવાં નાઈલોન વગેરે કાપડની માફક પારદર્શક હોય; અથવા જાડાં હોય પરંતુ શરીરના ગુપ્ત અવયવો દેખાય એવી રીતનાં અતિ ટૂંકાં સીવેલાં હોય તેવાં, ફાટેલાં, જાળી જેવાં તથા મેલાં વસ્ત્રોનો સમાવેશ થાય છે.
હવે આમાં જેઓ અતિ દરિદ્ર હોય, અતિ ત્યાગી હોય અને તીવ્ર વૈરાગ્યને લીધે જેમને દેહનો અનાદર હોય - આ સર્વેને પારકાની ઇચ્છાથી વસ્ત્ર મળતાં હોવાથી તેમને આ નિયમ લાગુ પડતો નથી.