શ્લોક : ૧૪૭

निजवृत्युद्यमप्राप्त धनधान्यादितश्च तै: ।

अर्प्यो दशांश कृष्णाय विंशोऽशस्त्विह दुर्बलै: ॥ ૧૪૭ ॥

અને તે ગૃહસ્થાશ્રમી સત્સંગી તેમણે પોતાની જે વૃત્તિ અને ઉદ્યમ તે થકી પામ્યું જે ધનધાન્યાદિક, તે થકી દશમો ભાગ કાઢીને શ્રીકૃષ્ણભગવાનને અર્પણ કરવો; અને જે વ્યવહારે દુર્બળ હોય તેમણે વીશમો ભાગ અર્પણ કરવો. ॥ ૧૪૭ ॥

ભાવાર્થ

જેનાથી જીવન નિર્વાહ ચાલે તેવી ગરાસની જમીન વગેરે તથા યજનાદિ જીવિકાવૃત્તિ તથા પોતપોતાના ધર્મ પ્રમાણે વિશેષ ધન મેળવવા માટે કરેલ વ્યાપારાદિ; તેમાંથી જે ધન-ધાન્ય આદિ મળે તેમાંથી દશમો ભાગ પોતાના ઇષ્ટદેવ શ્રી હરિકૃષ્ણ મહાપ્રભુનાં મંદિર પ્રત્યે જઈને અર્પણ કરવો. અને આ લોકમાં જેમની સ્થિતિ દુર્બળ હોય; એટલે કે જેમની ઊપજ થોડી અને અનિવાર્ય ખર્ચ વધારે હોય તેવા મનુષ્યોએ વીશમો ભાગ અર્પણ કરવો; જો આ પ્રમાણે અર્પણ ન કરે તો દ્રવ્યની શુદ્ધિ ન થાય. માટે જો ચોખ્ખો ધર્માદો આપવામાં ન આવે તો, ધર્માદો કાઢ્યા વગરના અપવિત્ર દ્રવ્યના સેવનથી ઉત્પન્ન થયેલી બુદ્ધિની જાડ્યતા, ભક્તિ, ધર્મ અને જ્ઞાનનો નાશ કરી નાખે છે. અને તેથી પ્રારબ્ધાદિજન્ય દુઃખની નિવૃત્તિ થતી નથી.

જેમ ધન-ધાન્યાદિકમાંથી ધર્માદો કાઢવાની આજ્ઞા છે, તેમ પોતાના વ્યાવહારિક કાર્યોમાંથી સમય કાઢી તેનો ઉપયોગ સતપુરુષના જોગ-સમાગમ-સેવા, ધ્યાન-ભજન, કથા-વાર્તા, માળા-માનસીપૂજા, સેવા કાર્યો વગેરે પ્રભુસન્નતાના સાધન માટે પણ કરવો જોઈએ. આ ઉત્તમ પ્રકારનો ધર્માદો છે.