શ્લોક : ૨૩
दृष्ट्वा शिवालयादीनि देवागाराणि वर्त्मनि ।
प्रणम्य तानि तद्देवदर्शनं कार्यमादरात् ॥ ૨૩ ॥
અને માર્ગને વિષે ચાલતે શિવાલયાદિક જે દેવમંદિર આવે, તેને જોઈને તેને નમસ્કાર કરવો; અને આદરથકી તે દેવનું દર્શન કરવું. ॥ ૨૩ ॥
ભાવાર્થ
જીવ જ્યારે માયાના બંધનમાંથી નીકળીને જન્મ-મરણના ફેરાથી છૂટે છે ત્યારે 'શીવ' એટલે કે મુક્ત બને છે અને ત્યારે જ તે પરમાત્માના દિવ્યસુખનો ભોક્તા થાય છે. આ મુક્તપુરુષોના સમાગમથી અન્ય જીવો પણ પરમાત્માના સંબંધને પામે છે. શ્રીજીમહારાજ પણ વધુને વધુ જીવો માયાના પાશથી નીકળીને પોતાના અવિનાશી, અલૌકિક સુખના અધિકારી થાય તે માટે તેમના અનાદિમુક્તો તથા પરમએકાંતિક મુક્તોનો પૃથ્વી પર આવિર્ભાવ કરાવે છે.
હવે 'શિવ' જે શ્રીજીમહારાજના મુક્તો (પરોક્ષના શંકર ભગવાન નહિ) તે માર્ગમાં જતાં સામા મળે અથવા તો તેમનો સમાગમ થાય ત્યારે આદરપૂર્વક તેમને નમસ્કાર કરવા તથા તેમનો જોગ-સમાગમ કરી શ્રીજીમહારાજનો યથાર્થ મહિમા તેમના થકી સમજી પોતાના આત્યંતિક કલ્યાણના ઉપાય કરવા.