શ્લોક : ૭૨
तमायान्तं निशम्याशु प्रत्युद्गन्तव्यमादरात् ।
तस्मिन् यात्यनुगम्यं च ग्रामान्तावधि मच्छ्रितै: ॥ ૭૨ ॥
અમારા જે આશ્રિત જન તેમણે, પોતાના આચાર્યને આવતા સાંભળીને આદરથકી તત્કાળ સન્મુખ જવું. અને તે આચાર્ય પોતાના ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી વળાવવા જવું. ॥ ૭૨ ॥
ભાવાર્થ
શ્રીહરિના શિષ્ય એવા સત્સંગી માત્રએ પોતાના ગુરુ પોતાના ગામ પધારે છે, એમ ખબર પડે, ત્યારે પ્રમાદ નહિ કરતાં બીજા કામોને તજી દઈને તરત જ તેમનો સત્કાર કરવા સામે જવું - અને તે પણ 'આદરપૂર્વક' એટલે કે ઉત્સાહપૂર્વક વાજતેગાજતે પુષ્પોપચાર વગેરે સ્વાગતની સામગ્રી સહિત સામા લેવા જવું. ત્યાં જઈને દંડવત્પ્રણામપૂર્વક ચંદન, પુષ્પહાર વગેરે ઉપચારોથી તેમનું પૂજન કરીને, તેઓશ્રીના ગૌરવને છાજે તેવાં વાહનો, વાજિંત્રો વગેરેથી વાજતેગાજતે સન્માનપૂર્વક પધરાવવા. અને જ્યારે તેઓશ્રી પાછા પધારે, ત્યારે પણ યોગ્ય વિદાય-સન્માન સહિત વાજતેગાજતે ગામની ભાગોળ સુધી વળાવવા જવું (ભાગોળ એટલે રેલવેસ્ટેશન વગેરે પણ સમજાય) વળી પોતાના ગુરુને યથાશક્તિ ભેટ પણ અર્પણ કરવી.