શ્લોક : ૧૬૧
नरेक्ष्यनाभ्यूरु़कुचाऽनुत्तरीया च नो भवेत् ।
साध्वी स्त्री न च भण्डेक्षा न निर्लज्जादिसंडि.गनी ॥ ૧૬૧ ॥
અને પતિવ્રતા એવી જે સુવાસિની સ્ત્રીઓ, તેમણે પોતાની નાભી, સાથળ અને છાતી તેને બીજો પુરુષ દેખે એમ ન વર્તવું. અને ઓઢ્યાના વસ્ત્ર વિના ઉઘાડે શરીરે ન રહેવું. અને ભાંડભવાઈ જોવા ન જવું. અને નિર્લજ્જ એવી જે સ્ત્રીઓ તથા સ્વૈરિણી, કામિની અને પુંશ્ચલી એવી જે સ્ત્રીઓ, તેમનો સંગ ન કરવો. ॥ ૧૬૧ ॥
ભાવાર્થ
'સાધ્વી' એટલે શીલ, સદાચાર આદિ સાધુગુણે યુક્ત; આ શબ્દ સમગ્ર સ્ત્રીજાતિને - સધવા, વિધવા, કુમારી સર્વને લગાડવાને માટે એકવચનમાં મૂક્યો છે. પુરુષ નાભિ, સાથળ ને છાતીને દેખે તેમ સ્ત્રીઓએ વર્તવું નહિ. અને 'ઉત્તરીય' કહેતાં ઓઢવાનું વસ્ત્ર પણ હંમેશાં રાખવું જ. વળી પ્રેક્ષકજનોને પરિહાસ કરાવનારા તથા અનેક વેષને ધારણ કરનારા, એવા જે ભાંડ-ભવાયા તેને જોવા માટે ન જવું. તેમ જ નિર્લજ્જ એવી 'ગણિકા' જે નૃત્ય કરનારી ગુણકા; 'સ્વૈરિણી' જે પોતાની જ્ઞાતિના પુરુષો વિષે કામભાવથી આસક્ત હોય; 'કામિની' સ્વજ્ઞાતિ તથા પરજ્ઞાતિમાં પણ આસક્ત હોય; 'પુંશ્ચલી' જે પરજ્ઞાતિમાં અને (જ્ઞાતિના) સંબંધી પુરુષોમાં પણ આસક્ત હોય, ધૂતારી, પૂર્વસંકેત મુજબ પરપુરુષના પ્રેમ માટે એકાંતમાં મળનારી; સન્યાસીની, બીજાનાં છિદ્રો જોનારી, કપટી તથા ખરાબ સ્વભાવવાળી સ્ત્રીઓ - આટલાંના સંસર્ગમાત્રથી જ, ચારિત્ર્ય દૂષિત થાય છે. માટે એવાઓનો સંગ સર્વથા ત્યજવો. વળી સધવાઓએ 'ધૂર્ત' એટલે કિમિયા આદિક ક્રિયાએ કરીને જનને ઠગનારા; અથવા ભક્તિજ્ઞાનનું અવલંબન કરીને સ્ત્રી-દ્રવ્ય-રસાસ્વાદને વિષે આસક્ત તથા ચોર, પાપી, વ્યસની, પાખંડી ને કામી આદિક જનોનો સંગ પણ વિશેષપણે વર્જવો.