શ્લોક : ૫૪
प्रणम्य राधाकृष्णस्य लेख्यार्चां तत आदरात ।
शक्त्या जपित्वा तन्मत्रं कर्तव्यं व्यावहारिकम् ॥ ૫૪ ॥
અને તે પછી, શ્રી રાધાકૃષ્ણની જે ચિત્રપ્રતિમા તેનું આદરથકી દર્શન કરીને-નમસ્કાર કરીને, પછી પોતાના સાર્મથ્ય પ્રમાણે શ્રીકૃષ્ણનો અષ્ટાક્ષર મંત્ર તેનો જપ કરીને, તે પછી પોતાનું વ્યાવહારિક કામકાજ કરવું. ॥ ૫૪ ॥
ભાવાર્થ
શ્રીજીમહારાજની માનસીપૂજા કર્યા બાદ, શ્રીજીમહારાજ તથા તેમના મુક્તોની ચિત્રપ્રતિમાના આદરથકી દર્શન-નમસ્કાર કરવા તથા તે પ્રતિમાની પ્રત્યક્ષ પૂજા કરવી તથા શ્રી સ્વામિનારાયણ ભગવાનના નામમંત્ર જપવા અને તે પછી જ પોતાનું વ્યાવહારિક કામકાજ કરવું.
જે ભક્તજન પ્રાતઃકાળમાં અતિ પ્રેમે કરીને, રોમાંચિતગાત્ર તથા ગદગદ કંઠ થઈને, શ્રીહરિજીની ચિત્રપ્રતિમાની પૂજા કરે છે, તે ભક્ત ઉપર ભગવાનને અતિશય સ્નેહ થાય છે ને આ લોકમાં એવો ભક્ત છતે દેહે મૂર્તિના સુખને અનુભવે છે.
(આનો વિશેષ વિસ્તાર 'શિક્ષાપત્રી રહસ્યસાર ખંડ-૧' માં આપેલો છે.)