શ્લોક : ૧૪૬

द्रव्यस्यायो भवेद्यावान् व्ययो वा व्यावहारिके ।

तौ संस्मृत्य स्वयं लेख्यौ स्वक्षरै: प्रतिवासरम् ॥ ૧૪૬ ॥

અને પોતાના વ્યવહારકાર્યને વિષે જેટલા ધનની ઉપજ હોય, તથા જેટલો ખરચ હોય, તે બેયને સંભારીને નિત્યપ્રત્યે, રૂડા અક્ષરે કરીને પોતે તેનું નામું લખવું. ॥ ૧૪૬ ॥

ભાવાર્થ

વળી ગૃહસ્થોએ પોતાનાં સઘળાં વહેવારનાં કાર્યોમાં જે રૂપિયા વગેરે ધન તેનું જેટલા પ્રમાણમાં ઉપજ અને ખર્ચ હોય તેનું રોજેરોજનું સારા અક્ષરે નામું પોતાનાં હાથે જ લખવું, કારણ કે બીજાની પાસે લખાવવાથી ધૂતારાઓ ઠગી જવાનો ભય રહે છે.

અહીં જેમ વ્યવહારમાં આવકજાવકનું નામું રાખવાનું કહ્યું, તેમ મોક્ષમાર્ગમાં પણ નામું રાખવું; એટલે જ્ઞાન-ભક્તિ આદિકનો સરવાળો વિચાર્યા કરવો. તે શ્રીજીમહારાજે વચનામૃતમાં કહ્યું છે : "જે સત્સંગી હોય તેણે, જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો જે, પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું ને પછી આવું હતું, ને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી - એમ વર્ષોવર્ષનો સરવાળો વિચાર્યા કરવો." આવી રીતે વિચારવાથી પોતાના દોષોની તથા કાચપની ખબર પડે છે ને વિવેકપૂર્વક તે દૂર કરવાથી ઝડપી પ્રગતિ થાય છે.