શ્લોક : ૨૫
कृष्णभक्ते: स्वधर्माद्वा पतनं यस्य वाक्यत: ।
स्यात्तन्मुखान्न वै श्रव्या: कथावार्ताश्च वा प्रभो: ॥ ૨૫ ॥
અને જેનાં વચનને સાંભળવે કરીને શ્રીકૃષ્ણભગવાનની ભક્તિ ને પોતાનો ધર્મ, એ બે થકી પડી જવાય, તેના મુખથકી ભગવાનની કથાવાર્તા ન સાંભળવી. ॥ ૨૫ ॥
ભાવાર્થ
જે ભગવાનની ભકિત અને સ્વધર્મથી રહિત હોય, એવા પુરુષના મુખથી ભગવાન સંબંધી કથા-વાર્તા ક્યારેય ન સાંભળવી. માહાત્મ્યજ્ઞાને સહિત જે ભગવાનનો નિશ્ચય, તેણે રહિત એવો જે જીવ, તેના મુખ થકી ભગવાનની કથા-વાર્તા સાંભળે, તેણે કરીને કોઈનું કલ્યાણ થતું નથી; એમાંથી તો મૂળગું ભૂંડું થાય છે. વળી શ્રી સ્વામિનારાયણ ભગવાને જ સત્સંગિજીવનમાં કહ્યું છે કે : ધર્મે સહિત ભક્તિ કરવા રૂપ સન્માર્ગની મર્યાદાને જે ભેદી નાખનારા હોય, તેમના મુખ થકી ભગવાનની કથા-વાર્તા પણ ન સાંભળવી. વળી જે તપસ્વી હોય છતાં ક્રોધે યુક્ત હોય, જે ભગવાનનો ભક્ત હોય છતાં કામાતુર હોય, જે સ્વધર્મનિષ્ઠ હોય છતાં અભક્ત હોય, જે ત્યાગી હોય છતાં લોભયુક્ત હોય, જે ગુરુપદે વિરાજતા હોય છતાં શિષ્યસમાજને યથાશાસ્ત્ર ધર્મમર્યાદામાં વર્તાવતા ન હોય અને જે જ્ઞાનવાન હોય છતાં યુક્તિથી ભગવાનના દિવ્ય સાકારસ્વરૂપનું ખંડન કરતા હોય; આ છ પ્રકારના મનુષ્યનો સંગ, રૂડી બુદ્ધિનું ખંડન કરનારો છે. અને જેમ અસજ્જનના સંગથી આ લોક-પરલોકમાં કલ્યાણનો વિઘાત થાય છે, તેમ જ આ છ પ્રકારના મનુષ્યોના સંગથી પણ કલ્યાણનો વિઘાત થાય છે; માટે તેમના સંગનો પણ ત્યાગ કરવો.