શ્લોક : ૭૪
पूर्वैर्महद्भिरपि यदधर्माचरणं क्वचित् ।
कृतं स्यात्तत्तु न ग्राह्यं ग्राह्यो धर्मस्तु तत्कृत: ॥ ૭૪ ॥
અને પૂર્વે થયા જે મોટા પુરુષ, તેમણે પણ જો ક્યારેક અધર્માચરણ કર્યું હોય તો, તેનું ગ્રહણ ન કરવું અને તેમણે જે ધર્માચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ કરવું. ॥ ૭૪ ॥
ભાવાર્થ
અને આગળ થઈ ગયેલા, તપ, યોગ, ઐશ્વર્ય આદિ ગુણવાળા શિષ્ટ પુરુષોએ; 'ક્યારેક' એટલે દેશ, કાળ આદિના વૈષમ્યને લીધે, અથવા કોઈ મહાઆપત્તિ પ્રાપ્ત થવાને કારણે, જો કાંઈ અધર્માચરણ કર્યું હોય તો, તેવું અધર્માચરણ મારા આશ્રિતોએ ગ્રહણ કરવું નહિ; કેમ કે, અલૌકિક અને અનિંદિત એવો શિષ્ટાચાર જ પ્રમાણભૂત છે; પરંતુ શિષ્ટ પુરુષોનું અધર્માચરણ ગ્રહણ કરવા યોગ્ય નથી. અને એવું જે અધર્માચરણ સાંભળવામાં આવે તો પણ તેની નિંદા કરવી નહિ; પરંતુ પૂર્વાપર સંપૂર્ણ વિચાર કરીને અને પોતાની શક્તિનો ક્યાસ કાઢીને ધર્મેયુક્ત તેમનાં જે શુભ કર્મ તેનું આચરણ કરવું. એવી રીતે જે આચરણ કરે છે. તે જ સુખ મેળવે છે.