શ્લોક : ૮૬

रवेरिन्दोश्चोपरागे जायमानेऽपरा: क्तिया: ।

हित्वाशु शुचिभि: सर्वै: कार्य: कृष्णमनोर्जप: ॥ ૮૬ ॥

અને સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે, અમારા જે સર્વે સત્સંગી તેમણે, બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને શ્રીકૃષ્ણભગવાનના મંત્રનો જપ કરવો. ॥ ૮૬ ॥

ભાવાર્થ

સૂર્યનું કે ચંદ્રનું ગ્રહણ થયે સતે, શ્રીજીમહારાજના આશ્રિતોએ બીજી ક્રિયાઓનો તત્કાળ ત્યાગ કરીને, સ્નાન કરી પવિત્ર થઈ 'સ્વામિનારાયણ' નામમંત્રનો જપ કરવો, પણ વ્યાવહારિક કે બીજું કાંઈ પણ કાર્ય કરવું નહિ. વળી જે પ્રથમ રાંધેલું અન્ન, ઉપરાગ-ગ્રહણ સમયે રહ્યું હોય, તો તે અપવિત્ર જાણીને તેનો ત્યાગ કરવો, પરંતુ અથાણું, દૂધ, દહીં, છાશ તથા જળના સંબંધ વિના કેવળ ઘી - તેલાદિકમાં અગ્નિવડે પકાવેલ અન્ન, તથા માંણ, કે ગાગરમાં પૂર્ણ ભરેલું જળ, તેનો ત્યાગ ન કરવો; કેમ કે, તે સર્વમાં તલ તથા દર્ભ નાખવાથી, ગ્રહણના સૂતકથી તે તે વસ્તુઓને અપવિત્રપણું પ્રાપ્ત થતું નથી. સૂર્યગ્રહણમાં ગ્રહણપ્રહર પહેલાં ચાર પ્રહરમાં, બાળક, વૃદ્ધ અને રોગી સિવાયના બીજાઓએ જમવું નહિ અને ચંદ્રગ્રહણમાં તો ગ્રહણપહોર પહેલાં ત્રણ પહોરમાં જમવું નહિ. જ્યારે બાળક, વૃદ્ધ અને રોગી તેમણે પણ, સૂર્ય અને ચંદ્રના ગ્રહણ પહેલાં એક પહોરમાં જમવું નહિ.

રવિવારે સૂર્યગ્રહણ હોય ને સોમવારે ચંદ્રગ્રહણ હોય તેને ચૂડામણિયોગ કહેવાય. આ ચૂડામણિયોગ, સ્નાન-દાનાદિ સત્કર્મ કરનારાઓને, અન્ય વારોમાં વર્તતા ગ્રહણ સમયે કરાતા સત્કર્મની અપેક્ષાએ કોટીગણું અધિક ફળ આપે છે.