શ્લોક : ૨૧
देवतातीर्थविप्राणां साध्वीनां च सतामपि ।
वेदानां च न कर्तव्या निन्दा श्रव्या न च क्वचित् ॥ ૨૧ ॥
અને દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ, એમની નિંદા ક્યારેય ન કરવી અને ન સાંભળવી. ॥ ૨૧ ॥
ભાવાર્થ
દેવતા, તીર્થ, બ્રાહ્મણ, પતિવ્રતા, સાધુ અને વેદ તેમની નિંદા હાસ્ય-વિનોદમાં પણ ન કરવી. તેમ જ કોઈ અવિનયવાળાપુરુષો એમની નિંદા કરતા હોય તો તે નિંદા ક્યારેય સાંભળવી પણ નહિ. અહીં 'દેવતા' એટલે સર્વાવતારી પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન, કે જે આપણા ઇષ્ટદેવ છે તે સમજવા 'તીર્થ' એટલે શ્રીજીમહારાજના પ્રસાદીરૂપ ગઢડા, વડતાલ આદિ સ્થળ સમજવા, 'બ્રાહ્મણ' એટલે કે જેના આચાર, વિચાર, વર્તન વગેરે સંપૂર્ણપણે શ્રીજીમહારાજની આજ્ઞાનુસાર હોય તેવા ભગવદ્ભક્ત. 'પતિવ્રતા' એટલે કે જેને એક શ્રીજીમહારાજને વિષે જ ભગવાનપણાનો પરિપક્વ નિશ્ચય હોય અને શ્રીજીમહારાજને જ સર્વોપરી, સર્વ કર્તા-હર્તા અને સર્વ અવતારોના અવતારી સમજતા હોય તેવા શ્રીજીમહારાજના આશ્રિત. 'સાધુ' એટલે કે જેમણે એક શ્રીજીમહારાજની મૂર્તિના સુખ આગળ સઘળું નરક તુલ્ય જાણીને તે સર્વેને ત્યજી દીધું હોય ને એક શ્રીહરિની જ પ્રસન્નતા અર્થે સર્વ ક્રિયાઓ છે જેમની એવા શ્રીજીને મળેલા મુક્તો. અને 'વેદ' એટલે કે શ્રી સહજાનંદ સ્વામીના મુખકમળની પરાવાણીરૂપ શિક્ષાપત્રી, વચનામૃત આદિ તથા તેમની આજ્ઞાથી તેમના સમર્થ સંત-હરિભક્તોએ રચેલ શ્રીજીમહારાજના સંબંધવાળા ગદ્ય-પદ્ય ગ્રંથો જાણવા.