શ્લોક : ૬૫

प्रत्यहं कार्यमित्थं हि सर्वैरपि मदाश्रितै: ।

संस्कृतप्राकृतग्रन्थाभ्यासश्चापि यथामति ॥ ૬૫ ॥

અને અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે જે પ્રકારે પૂર્વે કહ્યું એ પ્રકારે કરીને જ નિત્ય પ્રત્યે કરવું. અને સંસ્કૃત અને પ્રાકૃત એવા જે સદગ્રંથ, તેમનો અભ્યાસ પણ પોતાની બુદ્ધિને અનુસારે કરવો. ॥ ૬૫ ॥

ભાવાર્થ

શ્રીહરિએ શિક્ષાપત્રીના ૪૯મા શ્લોકથી આરંભી અહીં સુધી જે 'સૂર્ય ઉગ્યાથી પ્રથમ જ જાગવું.' વગેરે આજ્ઞાઓ કરી તે પ્રમાણે જ શ્રીહરિના આશ્રિતોએ હંમેશાં વર્તવું.

તથા 'સંસ્કૃત' એટલે દેવભાષા અને 'પ્રાકૃત' જે લૌકિક ભાષા, તેના શબ્દથી રચેલા એવા 'ગ્રંથો' - એટલે શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે રચેલા, અથવા સ્વાશ્રિત પાસે રચાવેલા સદગ્રંથો તેનો 'અભ્યાસ' કરવો. કારણ કે પુરુષ જેમ - જેમ નિત્યપ્રત્યે શાસ્ત્રનું સેવન કરે છે, તેમ-તેમ તેને જ્ઞાન થાય છે, ને તે પછી અનુભવજ્ઞાન જે વિજ્ઞાન તેની પ્રાપ્તિ થાય છે.