શ્લોક : ૧૩૫

गृहाख्याश्रमिणो ये स्यु: पुरु़षा मदुपाश्रिता: ।

स्वासन्नसम्बन्धहीना न स्पृश्या विधवाश्च तै: ॥ ૧૩૫ ॥

હવે ગૃહસ્થાશ્રમીના જે વિશેષ ધર્મ છે તે કહીએ છીએ: અમારે આશ્રિત જે ગૃહસ્થાશ્રમી પુરુષ, તેમણે પોતાના સમીપસંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો. ॥ ૧૩૫ ॥

ભાવાર્થ

શ્રીહરિના શરણને પામેલા ગૃહસ્થાશ્રમી પુરુષોએ, પોતાના 'સમીપસંબંધ વિનાની' એટલે જેના મરણથી સૂતક ન આવે તેની દૂરના સંબંધવાળી તેમ જ સંબંધ વિનાની; એવી જે 'વિધવા' કહેતાં જેમનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી વિધવા સ્ત્રીનો સ્પર્શ ન કરવો (સહજસ્વભાવે પણ અડકવું નહિ). તથા તેની સાથે ઉપહાસ, હાંસી-મશ્કરી વગેરે પણ ન કરવાં.

જો અજાણે વિધવા સ્ત્રીનો સ્પર્શ થઈ જાય તો, ગૃહસ્થ પુરુષે પ્રાયશ્ચિત્ત તરીકે વસ્ત્રે સહિત સ્નાન કરવું. તેવી જ રીતે વિધવા સ્ત્રીએ પણ વસ્ત્રે સહિત સ્નાન કરવું; પરંતુ જાણીબૂજીને સ્પર્શ થાય - પરસ્પર સ્પર્શ કરે તો વિધવા સ્ત્રી તેમ જ ગૃહસ્થ પુરુષ, એ બંનેએ પ્રાયશ્ચિત્ત તરીકે એકેક ઉપવાસ કરવો. અને જો ગૃહસ્થ પુરુષે જાણીબૂજીને કામભાવથી વિધવા સ્ત્રીનો એકાંતમાં કોઈએ ન જાણ્યો હોય તેવી રીતે, કામભાવે ર્વજીત વિધવાનો સ્પર્શ કર્યો હોય તો, પુરુષે બે દિવસ લાગટ ઉપવાસ કરવા. (વિધવાએ તો પોતે કામભાવે વર્જિત હોવાથી એક ઉપવાસ કરવો.) અને જો તે સ્પર્શ લોકમાં જાણ પડ્યો હોય તો, તે સ્પર્શ કરનાર પુરુષે, પ્રાયશ્ચિત્ત તરીકે 'ચન્દ્રાયણ વ્રત' કરવું. (અને વિધવાએ તો પોતે કામભાવે વર્જિત હોવાથી બે ઉપવાસ કરવા.) તેવી રીતે વિધવા સ્ત્રી પણ જો કામભાવે પુરુષનો સ્પર્શ કરે તો ઉપરોક્ત પ્રાયશ્ચિત્ત કરવું- કરાવવું.

અને પિતા-સસરા આદિ રહિત વિધવાને, કન્યાદાન સમયે જમાઈનો સ્પર્શ તથા વિધવા પુત્રી અને પોતાના પિતા તેમને પરસ્પર પદાર્થ આપવા- લેવા આદિમાં સ્પર્શ - આવા આવશ્યક પ્રસંગમાં બીજી કોઈ ગતિ ન હોય ત્યારે સમીપ સંબંધવાળા સ્ત્રી-પુરુષોને પરસ્પર સ્પર્શ થઈ જાય તેમાં દોષ નથી. તેમ જ વસ્તુઓ લેવી ને વેચાતી આપવી તથા જળ-અગ્નિ આદિકના ભય વગેરે પ્રસંગમાં કામભાવ વર્જિત ઇતર વિધવા સ્ત્રીના યાવત્પ્રયોજન સ્પર્શમાં ગૃહસ્થ પુરુષને દોષ નથી.