શ્લોક : ૫૮
हरेर्विधाय नैवेद्यं भोज्यं प्रासादिकं तत: ।
कृष्णसेवापरै: प्रीत्या भवितव्यं च तै: सदा ॥ ૫૮ ॥
અને પછી શ્રીકૃષ્ણભગવાનને નૈવેદ્ય કરીને, પછી તે પ્રસાદી એવું જે અન્ન તે જમવું. અને તે જે આત્મનિવેદી વૈષ્ણવ, તેમણે સર્વકાળને વિષે પ્રીતિએ કરીને શ્રીકૃષ્ણભગવાનની સેવાપરાયણ થવું. ॥ ૫૮ ॥
ભાવાર્થ
નામ કીર્તન કર્યા પછી 'હરિ' કહેતા મૂળઅજ્ઞાનને હરનારા એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમને નૈવેધ કરીને પછી તેમનું પ્રસાદીભૂત જે અન્ન તે જમવું, શ્રીજીમહારાજના આશ્રિત ક્યારેય કોઈ પણ વસ્તુ શ્રીજીમહારાજને અર્પણ કર્યા સિવાય ગ્રહણ કરે નહિ. જળ પણ શ્રીજીમહારાજને અર્પણ કરીને જ પીએ. વળી તે જે શ્રીહરિની પ્રસાદીરૂપ અન્ન તે પણ પ્રસાદીના માહાત્મ્યે કરીને જમવું, પણ રસાસક્તિએ કરીને જમવું નહિ. કારણ કે જીહ્વા ઇંદ્રિયે કરીને રસમાં મોહ પામેલો એવો બુદ્ધિ વિનાનો જન તે ધર્મભ્રષ્ટ થાય છે.
અને શ્રીજીમહારાજના આશ્રિત એવા એકાંતિક ભક્તોએ સર્વકાળને વિષે પ્રીતિએ કરીને અર્થાત્ જરાપણ ક્લેશથી કે દંભથી નહિ, પરંતુ અનન્યભાવે શ્રીજીમહારાજના સેવા-ભજનને વિષે તત્પર થવું. હવે પ્રીતિએ કરીને એટલે રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠ થઈને સેવા કરવી. કારણ કે ભાવરહિત સેવાને ભગવાન અંગીકાર કરતા નથી. જેમને શ્રીજીમહારાજને વિષે આવો અતિશય સ્નેહ ઉદય થયો હોય એવા નિષ્કામ ભક્ત, તેમને શ્રીજીમહારાજ સિવાય બીજા કોઈ પણ પ્રાણી કે પદાર્થને વિષે પ્રીતિ થતી નથી. અને એવા ભક્ત સર્વ વિઘ્નોને ઉલ્લંઘીને શ્રીજીમહારાજને પામે છે. વળી આવી રીતે પ્રીતિપૂર્વક સેવાપરાયણ સર્વકાળને વિષે થવું. એટલે કે ભગવાનના નામનું સ્મરણ આદિ, તે ક્ષણમાત્ર પણ ત્યાગ કરવું નહિ. જે ભક્તની મનોવૃત્તિ અખંડ ભગવાનમાં જ રહે છે એવો ભક્ત ભગવદ્ભક્તોમાં અગ્રગણ્ય ગણાય છે.