શ્લોક : ૨૭
चोरपापिव्यसनिनां संग: पाषंडिनां तथा ।
कामिनां च न कर्तव्यो जनवञ्चनकर्मणाम् ॥ ૨૭ ॥
અને ચોર, પાપી, વ્યસની, પાખંડી, કામી તથા કીમિયા આદિક ક્રિયાએ કરીને જનનો ઠગનારો, એ છ પ્રકારનાં મનુષ્ય, તેમનો સંગ ન કરવો. ॥ ૨૭ ॥
ભાવાર્થ
'ચોર' એટલે જેમનો ચોરવાનો સ્વભાવ પડ્યો હોય તે; તેમ જ નહિ આપેલા પારકા દ્રવ્યનું હરણ કરનાર લોકો. 'પાપી' એટલે પ્રાણીઓની હિંસા વગેરે પાપકર્મ કરવાના સ્વભાવવાળા. 'વ્યસની' જે શિકાર, જુગાર ઇત્યાદિ વ્યસનવાળા; તેમ જ ભાંગ, અફીણ, તમાકુ, માજમ વગેરેનું સેવન કરનારા. 'પાખંડી' એટલે વેદશાસ્ત્રવિરુદ્ધ આચરણ કરનારા. 'કામી' જે પારકી સ્ત્રીને કામભાવથી ઇચ્છનારા તથા 'કીમિયા' જે સ્વાર્થ સાધવા માટે લોકોને ઠગવાનો જ ધંધો છે જેમનો એવા માણસો; - આ સર્વનો સંગ ન કરવો. 'સંગ' એટલે તેમની સાથે મિત્રતા કરવી, એક આસને બેસવું, એક જ શય્યામાં શયન કરવું, એક જ પંક્તિએ જમવું, એક જ પાત્રમાં રાંધવું, પરસ્પર રાંધેલું અન્ન લેવું - દેવું અથવા મિશ્રણ કરવું, સાથે યજ્ઞ કરવો, સાથે અભ્યાસ કરવો, સાથે વિવાહસંબંધ તથા સાથે ભોજન વગેરે.
વળી 'ઉદ્ધત' એટલે ધનમદ વગેરેના મદથી શાસ્ત્રમર્યાદા જે લોપતા હોય; 'ઉન્મત્ત' કહેતાં વાયુ વગેરે રોગથી વિક્ષિપ્ત ચિત્તવાળા જે હોય; ઉડાઉ હોય; લોભી હોય, જેના ઘણા શત્રુ હોય, જૂઠું બોલવાના સ્વભાવવાળા હોય, વેશ્યાગમન કરતા હોય તથા નસીબ જ આપશે, પ્રયત્ન કરવાની શી જરૂર છે? એમ માનીને બેસી રહે એટલે કે આળસુ હોય - આટલાઓની સાથે એક ક્ષણપણ બેસવું નહિ. કારણ કે જેને જેવાં શાસ્ત્રો અથવા જેવાં મનુષ્યોનો સંગ થાય છે તેની બુદ્ધિ તેવી થાય છે; માટે અસચ્છાસ્ત્રો તથા અસત્પુરુષોનો સંગ ન કરવો.