શ્લોક : ૯૨

अज्ञानाज्ज्ञानतो वाऽपि गुरु़ वा लघु पातकम् ।

क्वापि स्यात्तर्हि तत्प्रायश्चितं कार्यं स्वशक्तित: ॥ ૯૨ ॥

અને ક્યારેક જાણે અથવા અજાણે જો નાનું-મોટું પાપ થઈ જાય તો, પોતાની શક્તિ પ્રમાણે તે પાપનું પ્રાયશ્ચિત્ત કરવું. ॥ ૯૨ ॥

ભાવાર્થ

મહર્ષિઓએ પાપના છ પ્રકાર કહેલા છે, તેના શ્રીહરિએ આ પ્રમાણે ભેદ બતાવ્યા છે : બ્રહ્મહત્યા, સુરાપાન, બ્રાહ્મણના સુવર્ણનું અપહરણ, ગુરુસ્ત્રીગમન અને એ ચારનું સેવન કરનારા એવા મહાપાતકીઓનો સંગ આ પાંચ 'મહાપાપ' નામના પાપો છે. મહાપાપોને સમાન એવા વેદનિંદા, સુહૃદવધાદિક પાપ તે 'પાતક' કહેવાય છે. મહાપાપથી ન્યૂન જે ગોહત્યા, ચોરીનું કર્મ, પરદારાગમન આદિ 'ઉપપાતક' કહેવાય છે. મહાપાપથી અધિક જે પોતાની માતા, બહેન, પુત્રી તથા પુત્રવધુ સાથે વ્યભિચાર કરવો તે 'અતિપાપ' કહેવાય છે. અતિપાપથકી પણ અધિક એવા શ્રીજીમહારાજને વિષે અનન્ય નિષ્ઠાવાળા ભક્તજનોનો દ્રોહ આદિ 'અત્યધિક પાપ' કહેવાય છે અને ડુંગળી - લસણનું ભક્ષણ એ આદિક જે ઉપપાતકથી ન્યૂન હોય તે 'પ્રકીર્ણ પાપ' કહેવાય છે.

કોઈ પણ પાપકર્મમાં સાક્ષાત્ પાપકર્મ કરનારો, બીજા પાસે પાપકર્મ કરાવનારો, અનુમોદન આપનારો, સહાય કરનારો અને અનુગ્રહ કરનારો; કહેતાં, પલાયમાન થતા પાપીજનોને અનુસરીને તેમની રક્ષા કરનારો વા કરાવનારો આ પાંચેય મનુષ્ય તે પાપકર્મના ફળભાગી થાય છે.

'પરમાત્મા' જે શ્રી હરિકૃષ્ણ ભગવાન, તેમના સ્વરૂપનો અનુભવી ને ધર્મશાસ્ત્રમાં કુશળ એવા એક જ હોય, ને તે જે કહે તે ધર્મ કહેવાય છે, અને તે જે નિર્ણય કરે તે મુજબ પ્રાયશ્ચિત્ત કરવાથી પાપની શુદ્ધિ થાય છે. જ્યોતિષ, વ્યવહાર, પ્રાયશ્ચિત્ત તેમ જ રોગની ચિકિત્સા - આ ચારનું જ્ઞાન ન હોય છતાં, જે અન્યથા-વિપરીતપણે તેનો નિર્ણય કરે તે મહાપાતકી થાય છે. પ્રાયશ્ચિત્ત આપનાર પરિષદ, પ્રાયશ્ચિત્તનો જો અન્યથા આદેશ કરે તો, તેમના કહ્યા પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરવાથી પાપી તો શુદ્ધ થઈ જાય છે; પરંતુ અન્યથા પ્રાયશ્ચિત્ત કહેનાર તે પાપથી લોપાય છે.

શ્રીહરિએ સર્વે પાપનું પ્રાયશ્ચિત્ત સત્સંગિજીવનમાં બતાવ્યું છે તેમાં વિશેષપણે શ્રીહરિ કહે છે કે, તે પ્રાયશ્ચિત્તોમાં પ્રાણવિપત્તિરૂપ જે જે પ્રાયશ્ચિત્ત બતાવ્યા છે તે પુરાતન મુનિઓના મતને અનુસરીને કહેલું છે, પરંતુ વસ્તુતાએ તેવા સ્થળમાં યાવજ્જીવન, તપરૂપ પ્રાયશ્ચિત્ત કરવું એ જ એમને અભિમત છે. દેહત્યાગથી કશુંય શ્રેય નથી; દેહવિનાશ ન થાય એવા પ્રાયશ્ચિત્તથી પાપની વિશુદ્ધિ કરવી - એ જ કલ્યાણ માટે છે. આત્મઘાત નામનો દોષ તો અતિ પ્રબળ છે, માટે કળિમાં શ્રીહરિએ આ તપ જ હિતકારી માન્યું છે.

વળી આ જે પ્રાયશ્ચિત્ત તે પોતાનું પાપ બીજા જનોના જાણવામાં આવેલ હોય ત્યારે કરવાનું છે. જો પોતાનું પાપ ગુપ્ત હોય; ત્યારે તો એકાંતમાં કોઈ ન જાણે તેમ યથાશક્તિ 'સ્વામિનારાયણ' મહામંત્રનો જપ કરવો અને દાન કરવું.