શ્લોક : ૧૪

आत्मधातस्तु तीर्थेऽपि न कर्तव्यश्च न क्रुधा ।

अयोग्याचरणात् क्वापि न क्वाषोद्बन्धनादिना ॥ ૧૪ ॥

અને આત્મઘાત તો તીર્થને વિષે પણ ન કરવો ને ક્રોધે કરીને ન કરવો; અને ક્યારેક કોઈ અયોગ્ય આચરણ થઈ જાય, તે થકી મૂંઝાઈને પણ આત્મઘાત ન કરવો. અને ઝેર ખાઈને તથા ગળે ટૂંપો ખાઈને તથા કૂવે પડીને તથા પર્વત ઉપરથી પડીને ઇત્યાદિક કોઈ રીતે આત્મઘાત ન કરવો. ॥ ૧૪ ॥

ભાવાર્થ

'હિંસા' બે પ્રકારની છે : 'બીજાની હિંસા' એટલે પરહિંસા અને 'પોતાની હિંસા' એટલે સ્વહિંસા. તેમાં પ્રથમની જે પરહિંસા તેનો નિષેધ કર્યો. હવે બીજી સ્વહિંસાનો નિષેધ કરતા શ્રીહરિ કહે છે : 'આત્મઘાત' એટલે પોતાના દેહનો ઘાત તો 'તીર્થ' જે છપૈયા, ગઢપુર આદિક તેને વિષે પણ સ્વર્ગાદિકની પ્રાપ્તિને અર્થે પણ ન કરવો. તીર્થોમાં મરણ તે દોષ પમાડનારું નથી, પણ મુક્તિ આપનારું છે એવું માનીને તેમ જ મંદવાડ કે લોકાપવાદ વગેરેનું દુઃખ સહન ન થાય તેવા સંજોગોમાં પણ તીર્થમાં જઈ આત્મઘાત ન કરવો. પરંતુ યાવજ્જીવિત ધર્મનિષ્ઠ થવું; કેમ કે અભ્યુધ્ય અને નિઃશ્રેયસની સિદ્ધિ તો એથી જ થાય છે.

અને 'ક્રોધે કરીને' કહેતાં સ્વજન તથા દુર્જન તેમણે કહેલાં એવાં હૃદયભેદક વચન તે થકી ઉત્પન્ન થયેલો એવો ક્રોધ તેણે કરીને, વા ઝેર ખાવું, ગળે ટૂંપો ખાવો, કૂવે પડવું ઇત્યાદિકે કરીને પણ આત્મઘાત ન કરવો.

વળી દૈવગતિએ કરીને કોઈક સમયને વિષે પોતાનો વર્ણ, આશ્રમ, દેશ અને કુળ તેના આચારને ઉચિત નહિ એવું કર્મ પોતાથી થઈ ગયું હોય, અથવા પોતાના સંબંધીથી થઈ ગયું હોય, એવા સંજોગોમાં લોકનિંદાના ભયે કરીને પણ આત્મઘાત ન કરવો. કેમ કે આત્મઘાતથી ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. માટે અયોગ્ય આચરણ થયે સતે, દેશ, કાળ, અવસ્થા ને શક્તિ, તેને અનુસારે ધર્મશાસ્ત્રમાં કહેલું એવું પ્રાયશ્ચિત્ત કરવું એ જ ઉચિત છે.