શ્લોક : ૧૧૮
कारणीया पुरश्चर्या पुण्यस्थानेऽस्य शक्तित: ।
विष्णुनामसहस्रादेश्चापि कार्येप्सितप्रदा ॥ ૧૧૮ ॥
અને એ જે દશમસ્કંધ તેનું પુરશ્ચરણ જે તે પુણ્યસ્થાનકને વિષે, પોતાના સાર્મથ્ય પ્રમાણે કરવું -કરાવવું. અને વળી વિષ્ણુસહસ્રનામ આદિક જે સચ્છાસ્ર, તેનું પુરશ્ચરણ પણ, પોતાના સાર્મથ્ય પ્રમાણે કરવું-કરાવવું; તે પુરશ્ચરણ કેવું છે તો, પોતાના મનવાંછિત ફળને આપે એવું છે. ॥ ૧૧૮ ॥
ભાવાર્થ
'પુરશ્ચર્યા' એટલે 'એક સો આઠ' પારાયણો કરાવવાં વગેરે લક્ષણોવાળી પૂર્ણાહૂતિ, તે ભગવાનનાં મંદિર અથવા સત્પુરુષ હોય તેવા પવિત્ર દેશમાં, જેવી પોતાની શક્તિ હોય તે પ્રમાણે કરાવવી. અને જો પોતે જ તેનો પાઠ કરી શકે તેમ હોય તો પોતે, તે પુરશ્ચર્યા જાતે કરવી.
સ.ગુ. મુક્તાનંદ સ્વામી કૃત 'સત્સંગિજીવન ગ્રંથનું માહાત્મ્ય' - તેમાં 'સત્સંગિજીવન'નું પુરશ્ચરણ વિધિ સહિત સવિસ્તર બતાવ્યું છે; તેને જાણીને સત્સંગિજીવન, શિક્ષાપત્રી, વચનામૃત આદિ ગ્રંથોનું તથા જનમંગલ-સર્વમંગલાદિ સ્તોત્રોનું પુરશ્ચરણ પણ, પોતાના સાર્મથ્ય પ્રમાણે કરવું - કરાવવું.