શ્લોક : ૧૭૪

मनुष्यं चांशुकादीनि नारी क्वापि रजस्वला ।

दिनत्रयं स्पृशेन्नैव स्नात्वा तुर्येऽह्नि सा स्पृशेत् ॥ ૧૭૪ ॥

અને વળી રજસ્વલા એવી જે સુવાસિની અને વિધવા સ્ત્રીઓ, તે ત્રણ દિવસ સુધી કોઈ મનુષ્યને તથા વસ્ત્રાદિકને અડે નહિ, ને ચોથે દિવસે નાહીને અડવું. (એવી રીતે ગૃહસ્થાશ્રમી એેવા જે પુરુષ અને સ્ત્રીઓ તેમના જે આ વિશેષ ધર્મ કહ્યા, તે સર્વ, ધર્મવંશી આચાર્ય ને તેમની પત્નીઓ તેમને પણ પાળવા; કેમ કે એ ગૃહસ્થ છે.) ॥ ૧૭૪ ॥

ભાવાર્થ

જેને રજોદર્શન પ્રાપ્ત થતું હોય તે રજસ્વલા સ્ત્રી કહેવાય. તેણીએ ત્રણ રાત્રિદિવસ મનુષ્યમાત્રનો સ્પર્શ કરવો નહિ. ચોથે દિવસે, પોતાને અડેલાં તથા પોતે પહેરેલાં વસ્ત્રોને ધોઈ નાખીને પછી, માથું પલાળી સ્નાન કર્યા બાદ ઘરમાં અડવું. પશુઓને અડવામાં દોષ નથી; પરંતુ વસ્ત્રો તથા માટીનાં વાસણો વગેરેને ક્યારેય અડવું નહિ.

પૂર્વે ઇંદ્રે, વૃત્રાસુરનો વધ કરતાં જે બ્રહ્મહત્યાદોષ પોતાને પ્રાપ્ત થયો હતો, તેનો ચોથો ભાગ તેણે સ્ત્રીઓને આપ્યો છે, તે જ રજોરૂપે 'માસે-માસે' દેખાય છે; તેથી રજોદર્શન સમયે સ્ત્રી અસ્પૃશ્યા થાય છે. તેમાં પ્રથમ દિવસે રજસ્વલા સ્ત્રી; ચંડાળી જેવી અસ્પૃશ્યા; બીજે દિવસે બ્રહ્મધાતિની જેવી અસ્પૃશ્યા; ત્રીજે દિવસે ધોબણ જેવી અસ્પૃશ્યા અને ચોથે દિવસે સ્નાન કર્યા પછી શુદ્રસમાન કહી છે અને પાંચમે દિવસે સ્નાન કરી શુદ્ધ થતાં, દેવસંબંધી તથા પિત્રિસંબંધી કર્મ કરવા માટે યોગ્ય થાય છે. આપત્કાળ હોય ત્યારે તો, ઉપવાસ કરવાથી ત્રીજે દિવસે જ શુદ્ધ થાય છે.

અને રજસ્વલાએ ત્રણ દિવસ સુધી દૂધ-ઘી વગેરે ગોરસનો આહાર, પુષ્પ તથા ઘરેણાનું ધારણ, અંજન, કંકુમ, 'સુગંધી' જે અત્તરાદિક, પાટ પર બેસવું, પલંગ ઉપર શયન કરવું, અગ્નિનો સ્પર્શ, શરીરે તેલ ચોળવું, મુસાફરી કરવી, પાનસોપારીનું ભક્ષણ કરવું તથા દિવસે સૂવું-આટલાનો ત્યાગ કરવો.

રજોદર્શન જો રાત્રે થાય તો, રાત્રિના ત્રણ વિભાગ કરીને, જો પહેલા બે ભાગમાં રજોદર્શન હોય તો તેને આગલા દિવસનું ગણવું; અને જો ત્રીજા ભાગમાં હોય તો બીજા દિવસનું ગણવું. વળી સત્તર દિવસમાં જ ફરી રજોદર્શન થાય તો માત્ર સ્નાન કરવાથી શુદ્ધિ થાય; અઢાર દિવસે ફરી રજોદર્શન થાય તો એક રાત્રિદિવસ તે પાળવું; ઓગણીસ દિવસે ફરી રજોદર્શન આવે તો બે દિવસ પાળવું અને જો વીસ દિવસે ફરી રજોદર્શન થાય તો, ત્રણે દિવસ પૂરેપુરું પાળવું અને રજોદર્શન પછી ત્રણ દિવસમાં, વ્રત કે ઉપવાસના દિવસો આવે ત્યારે પૂજાપત્રી બીજાની પાસે કરાવવી, ને ઉપવાસ તો રજસ્વલાએ પોતે કરવો.

અને જાણે-અજાણે રજસ્વલાનો સ્પર્શ થઈ જાય તો યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત કરવું.