શ્લોક : ૮૫
भूताद्युपद्रवे क्वापि वर्म नारायणात्मकम् ।
जप्यं च हनुमन्मन्त्रो जप्यो न क्षुद्रदैवत: ॥ ૮૫ ॥
અને જો ક્યારેક ભૂત-પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે તો 'નારાયણકવચ'નો જપ કરવો; અથવા હનુમાનના મંત્રનો જપ કરવો, પણ એ વિના બીજા કોઈ ક્ષુદ્રદેવના સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો. ॥ ૮૫ ॥
ભાવાર્થ
ધર્મ-નિયમે યુક્ત અને પ્રકટ શ્રી હરિકૃષ્ણ મહાપ્રભુના દૃઢ આશ્રયવાળા જે ભક્તજનો છે તેમને, ભૂત, પ્રેત, પિશાચ, બ્રહ્મરાક્ષસ આદિ કોઈ, કાંઈ પણ ઉપદ્રવ કરી શકતા નથી; પણ જેને આશ્રયમાં પોલ હોય તથા શિક્ષાપત્રીના અગિયાર નિયમ પ્રમાણે વર્તવામાં - પાળવામાં શિથિલતા રહેતી હોય, તેવાને ભૂત-બ્રહ્મરાક્ષસાદિ વળગે છે; તેમ જ, શ્રીહરિના ઉપાસક એવા પુરુષો તથા સ્ત્રીઓ, જો ઇંદ્રિયોના આહાર અશુદ્ધ કરતા હોય તો, તેમને પણ ભૂત-પ્રેતાદિકનો ઉપદ્રવ થાય છે. તે ઉપદ્રવની નિવૃત્તિને અર્થે આમાં શ્રીજીમહારાજે નારાયણકવચ તથા હનુમાનના મંત્રનો જપ કરવાનું કહ્યું તે ઘણા જીવોના સમાસને અર્થે છે. પરંતુ ખરેખર તો શ્રી સહજાનંદ સ્વામીનાં સ્વરૂપની અનુસ્મૃતિ કરાવનારા ને શ્રીજીસમકાલીન સંતોએ રચેલા - શ્રી હરિકવચ, શ્રી પુરુષોત્તમકવચ, જનમંગલ સ્તોત્ર, સર્વમંગલ સ્તોત્ર, વિશ્વમંગલ સ્તોત્ર, સંકટહર સ્તોત્ર વગેરેનો પાઠ કરવો. કારણ કે આ સર્વે તે પરોક્ષ દેવોના કવચ-સ્તોત્રો કરતાં પણ વિશેષ દૈવતવાળાં છે.