શ્લોક : ૪૧
कृष्णदीक्षां गुरो: प्राप्तैस्तुलसीमालिके गले ।
धार्ये नित्यं चोर्ध्वपुंड्रं ललाटादौ द्विजातिभि: ॥ ૪૧ ॥
અને ધર્મવંશી ગુરુ થકી શ્રીકૃષ્ણની દીક્ષાને પામ્યા એવા જે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના અમારા સત્સંગી તેમણે, કંઠને વિષે તુલસીની બેવડી માળા નિત્યે ધારવી અને લલાટ, હૃદય અને બે હાથ એ ચારે ઠેકાણે ઊર્ધ્વપુંડ્ર તિલક કરવું. ॥ ૪૧ ॥
ભાવાર્થ
શ્રીહરિના આશ્રિતોએ ગુરુ થકી શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુના મંત્રની 'દીક્ષા લેવી' અર્થાત્ ગુરુમંત્ર લેવો, પૂજન માટે ચિત્રપ્રતિમા પ્રસાદી કરાવીને લેવી અને તેઓ તે દીક્ષાના અંગભૂત જે નિયમ તથા ઉપદેશ આપે તે શ્રદ્ધાથી ગ્રહણ કરવાં. પરમાત્માના સ્વરૂપનું દિવ્યજ્ઞાન પ્રદીપ્ત કરે અને અનેક જન્મના પાપકર્મનો ક્ષય કરે એને દીક્ષા કહેલી છે. અને કેવા ગુરુને શરણે જવું તો, જે ધર્મ-જ્ઞાન-વૈરાગ્યે સહિત એવી ભક્તિએ યુક્ત હોય તથા શ્રીજીમહારાજની સર્વોપરી આજ્ઞા-ઉપાસનાયુક્ત રહી અખંડ મૂર્તિમાં નિમગ્ન રહેતા હોય એવા ગુરુને શરણે જવું.
શ્રી સ્વામિનારાયણ ભગવાનનાં સંતમંડળ, દૈવી જીવોના કલ્યાણને અર્થે પવિત્ર દેશમાં વિચરતા હોય છે, તેમના સમાગમ થકી દૈવી જીવને વૈરાગ્ય ઉદય થાય છે, અને કોઈકને પૂર્વના સત્સંસ્કાર થકી પણ વૈરાગ્ય થાય છે. ત્યારે એ જે વૈરાગ્યવાન પુરુષ તે, ગૃહકુટુંબનો ત્યાગ કરીને જ્ઞાનપ્રદાતા સંત પાસે રહે છે. પછી તે પુરુષ જો સારા સ્વભાવવાળો તથા બ્રહ્મચર્યરૂપ ધર્મને વિષે ને ત્યાગ-વૈરાગ્યને વિષે રુચિવાળો હોય તો તે મહાદીક્ષાનો અધિકારી થાય છે. અને તે દીક્ષા ધર્મવંશી આચાર્ય મહારાજશ્રી પાસેથી જ લેવી, પરંતુ ધર્મવંશી આચાર્ય સિવાય બીજા ગમે તેવા મોટા ને સ્થિતિવાળા હોય તો પણ તેમની પાસેથી દીક્ષા ગ્રહણ થઈ શકે નહિ. અને ધર્મવંશી આચાર્યે પણ દીક્ષા લેવા આવેલ પુરુષને તીવ્ર વૈરાગ્ય કેવો છે અને ધર્મપાલનમાં એની રુચિ કેવી છે, એનો નિશ્ચય કરીને દીક્ષા આપવી.
વળી ગુરુથકી મંત્રદીક્ષાને પામ્યા એવા જે ત્રણે વર્ણના શ્રીહરિના આશ્રિત સત્સંગી તેમણે કંઠને વિષે તુલસીકાષ્ઠના મણકાની બેવડી કંઠી નિત્યે ધારણ કરવી. અહીં બેવડી કંઠી ધારણ કરવાની શ્રીજીએ આજ્ઞા કરી છે તે મુક્તે સહિત શ્રીહરિની ઉપાસના સૂચવવાને અર્થે છે, અને ચાંદલા સહિત તિલક ધારણ કરવાનો પણ એ જ હેતુ છે. વળી તે સત્સંગીઓએ લલાટ, હૃદય ને બે હાથ એ ચાર ઠેકાણે 'ઊર્ધ્વપુંડ્ર' એટલે ઊભું તિલક કરવું; અને પોતાના ઇષ્ટદેવ શ્રીહરિની છાપો લેવી.