શ્લોક : ૧૮૩

तैलाभ्यङ्गो न कर्तव्यो न धार्यं चायुधं तथा ।

वेषो न विकृतो धार्यो जेतव्या रसना च तै: ॥ ૧૮૩ ॥

અને તે નૈષ્ઠિક બ્રહ્મચારી તેમણે, પોતાના શરીરે તૈલમર્દન ન કરવું, ને આયુધ ન ધારવું, ને ભયંકર એવો જે વેષ તે ન ધારવો અને રસના ઇંદ્રિયને જીતવી. ॥ ૧૮૩ ॥

ભાવાર્થ

શ્રીહરિના આશ્રિત વર્ણીઓએ, ભગવાનના પ્રસાદભૂત ચંદનથી પણ પોતાના અંગમાં લેપન ન કરવું તથા સુગંધી તેલ ચોળીને સ્નાન ન કરવું. તેમ જ સ્નાન સમયે અંગમર્દન ન કરવું. અને પગને ઘસીને ન ધોવા, દોડવું નહિ, પોતાના મુખને દર્પણમાં જોવું નહિ તથા નેત્રોને કાજળથી આંજવા નહિ.

વળી વર્ણીઓએ તલવાર વગેરે શસ્ત્ર ધારવા નહિ તથા કોઈનું તાડન કરવાના વિનિયોગથી, લાકડી વગેરેનું ધારણ ન કરવું. કારણ કે તેથી હિંસા કરવાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે.

અને તે વર્ણીઓએ, 'શાસ્ત્રનિંદિત' એટલે કે બહુ મૂલ્યવાળાં, ચિત્રવિચિત્ર ભાત્યનાં, કસુંબાદિક રંગે યુક્ત કે શાલદુશાલા એવાં વસ્ત્ર; તેમ જ 'લોકનિંદિત' જેવાં કે, અતિશય મેલાં, અતિ ફાટેલાં, ભયજન્ય કે પારદર્શક એવાં વસ્ત્ર, ધારણ કરવાં નહિ. તથા છત્રી ધારણ ન કરવી તેમ જ નૃત્ય જોવું નહિ.

વર્ણીએ તો બે શ્વેત કૌપીનો, તેની ઉપર આચ્છાદન કરવાનાં બે ધોળાં ધોતિયાં અને ભોજનસમયે પહેરવા માટે શણનું, કે કાંબળીનું એક વસ્ત્ર ધારણ કરવું. વળી ગોદડી, ચાદર, ઓઢવાની કામળી, ઓઢવાનાં બે પંચિયાં ને માથે બાંધવાનો ચોખંડો એક રૂમાલ - તે ભગવી મૃત્તિકાથી રંગેલાં ધારણ કરવા તથા રક્ત ઉર્ણાની ટોપી ધારવી. અને આસન માટે કામળીનો કકડો, ગોમુખીએ સહિત જપમાળા, તિલક માટે ગોપીચંદન અને પાદુકા એટલું જ રાખવું.

અને વર્ણીઓએ રસના ઇંદ્રિયને વિશેષે જીતવી, કારણ કે 'રસના' જે જીહ્વા તેને જીતવાથી સર્વે ઇંદ્રિયો જિતાય છે.